અમદાવાદઃ અનામત અને ખેડૂતોના દેવામાફીની માગ સાથે પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલે સમર્થકો સાથે ૨૫મી ઓગસ્ટથી અમદાવાદમાં ગ્રીનવૂડ નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ શરૂ કર્યાં છે. ઉપવાસને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત છે. જોકે અગાઉ કરતાં તેને ઓછું સમર્થન મળ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. અમદાવાદ મહાનગર-પાલિકાએ હાર્દિકને નિકોલના પાર્ટીપ્લોટમાં ઉપવાસની મંજૂરી આપી નહોતી. ગાંધીનગરમાં પણ સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ માટે સરકાર દ્વારા ઈનકાર કરાયો હતો. આખરે વૈષ્ણોદેવી સર્કલ પાસેનું ગ્રીનવૂડ સ્થિત નિવાસસ્થાને જ હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કર્યાં હતાં ત્યારે રાજ્યભરમાંથી અમદાવાદ ઉપવાસસ્થળે પહોંચતાં પાસના ૨૦૦થી વધુ કાર્યકરોની પોલીસે રસ્તામાં જ અટકાયત કરી હતી. ભારતના પૂર્વ વડા પ્રધાન દેવગૌડા ઉપરાંત કોંગ્રેસના ૨૮ ધારાસભ્યોએ હાર્દિકને સમર્થન જાહેર કર્યું છે.
ઉપવાસના ત્રીજા દિવસે મોહનસિંહ રાઠવા, પૂજા વંશ, વીરજી ઠુમ્મર અને હિંમતસિંહ પટેલ સહિતના કોંગ્રેસીઓ ઉપવાસસ્થળે પહોંચ્યા હતા. પોલીસે તેમને પ્રવેશ ન આપતાં ધારાસભ્યોએ રોડ પર પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિકને ટેકો જાહેર કર્યો છે. ઉપવાસના ચોથા દિવસે એનસીપીના પ્રફૂલ્લ પટેલ હાર્દિક પાસે પહોંચ્યા હતા. આ જ દિવસે રાજસ્થાનના ગુર્જર આંદોલનના હર્તાકર્તા હિંમતસિંહ ગુર્જર રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સમર્થકો સાથે ગ્રીનવૂડ આવ્યા હતા. પોલીસે સમર્થકોને અટકાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉપવાસના બીજા અને ત્રીજા દિવસે મેડિકલ ટીમે હાર્દિકનું ચેકઅપ કર્યું હતું.


