અને નીતિન પટેલે સજળ નયને કહ્યુંઃ નારાજ નથી, જે કામ સોંપશે તે કરીશ

Thursday 16th September 2021 06:50 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરે તે પહેલાં ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે નીતિન પટેલના ઘરે પહોંચ્યા હતા, આ બંને નેતાઓ વચ્ચે ૧૫ મિનિટ જેટલો સમય ગુફતેગો થઈ હતી, એ પછી નીતિન પટેલ મીડિયાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેઓ લાગણીશીલ થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આંસુ છલકાયા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ મારા મિત્ર છે, મારે સામાજિક અને પારિવારિક સંબંધો છે, એ નિસબતે એ મળવા આવ્યા હતા, મેં તેમને અભિનંદન આપ્યા છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, મને કોઈ દુઃખ નથી, અમે પણ અનેકને ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટરની ટિકિટ આપી નથી, બધાને બધું મળી ન શકે, પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે, હું નારાજ નથી. મારા ભાગે જે કામ કરવાનું આવશે તે કામ કરીશ. કોઈ પણ રાજકીય નેતા હોય તેનું સ્થાન પ્રજાના હૃદયમાં હોય છે. પ્રજાના હૃદયમાં સ્થાન જાળવવું સૌથી મહત્ત્વનું છે, કામ કરીને લોકોનો પ્રેમ જીતી વ્યક્તિ મોટો થઈ શકે છે, કોઈને દૂર રાખી નેતા મોટો ના થઈ શકે. બીજી તરફ શપથ ગ્રહણ કરે તે પહેલાં ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે પણ ગયા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે વાર્તાલાપ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter