અને મોદીએ કહ્યુંઃ ૨૬ બેઠકો જીતવી અઘરી નથી, નબળી બેઠકો પર માઇક્રો પ્લાનિંગ કરો

Tuesday 23rd April 2019 11:15 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભાની ગત ચૂંટણી વેળા ગુજરાતની ૨૬ બેઠકો પર ભાજપતરફી જે માહોલ જોવા મળતો હતો તેવો માહોલ આ વખતે જણાતો નથી તેની સ્વિકૃતિ પ્રદેશ ભાજપના નેતાઓ આપી રહ્યાં છે. ત્યારે બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના ટોચના નેતાઓને મળીને રાજયની તમામ બેઠકોમાં છેલ્લી સ્થિતિનો ચિતાર મેળવ્યાના અહેવાલ છે. તાજેતરમાં ગુજરાતમાં બે દિવસના રોકાણ દરમિયાન મોદીએ વિવિધ જાણકારીના આધારે પ્રજાનો મૂડ જાણીને પ્રદેશના નેતાઓને આવશ્યક પગલાં લેવા સૂચના આપી હતી.

ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો જીતવાના ઇરાદે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પક્ષે ગાંધીનગરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે વડા પ્રધાને ગુજરાતની તમામ બેઠકોનો સર્વે કર્યો હતો. રાજભવનમાં રાત્રી રોકાણ દરમિયાન મોદીને મળવા ગયેલા મુખ્ય પ્રધાન અને પ્રદેશના નેતાઓ પાસેથી મોદીએ ચૂંટણીની સ્થિતિનો ફિડબેક મેળવ્યો હોવાનું એક અખબારી અહેવાલમાં જણાવાયું છે.

અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એક એક બેઠક કિમતી છે, કારણ કે કોંગ્રેસની વધતી જતી રફતાર અને મહાગઠબંધનને જોતાં ભાજપને ફરીથી સત્તા પર આવવા માટે મહેતન કરવી પડશે. ભાજપમાં સ્ટાર કેમ્પેઇનરોની ફોજ છે, પરંતુ નરેન્દ્ર મોદી એક એવા કેમ્પેનર છે કે જેમની સામે પક્ષના તમામ નેતાઓ ફિક્કા પડે છે. મોદીની જનસભા અને રોડ શો કરવાની જે ક્ષમતા છે તે ભાજપના બીજા કોઇ નેતા પાસે નથી.

ભાજપનો આંતરિક સર્વે કહે છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાંચથી સાત બેઠકો પર મજબૂત દાવેદારી કરી રહી છે, પરંતુ જો આ બેઠકોમાં મતદાનના દિવસે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે તો ભાજપના ઉમેદવારો માટે આ બેઠકોમાં આશા જાગી શકે છે.

ભાજપના સર્વે પ્રમાણે પક્ષના ૧૩ ઉમેદવારો એવા છે કે જેમની જીત નિશ્ચિત છે. કોંગ્રેસના સર્વેમાં પણ આ બેઠકો ભાજપને આપવામાં આવી છે. ભાજપ માટે નબળી બેઠકો છે તેમાં આણંદ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, બારડોલી, વસલાડ, સુરેદ્રનગર અને પોરબંદરનો સમાવેશ થાય છે. પ્રદેશના નેતાઓએ મોદીને ભાજપ અને કોંગ્રેસના સર્વેક્ષણથી માહિતગાર કર્યા છે.

પક્ષના આંતરિક સર્વેમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર, અમદાવાદ-પૂર્વ, અમદાવાદ-પશ્યિમ, મહેસાણા, કચ્છ, રાજકોટ, જામનગર, ભાવનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત અને નવસારી બેઠકોમાં ઉમેદવારોને સૌથી વધુ સરસાઇ મળી શકે છે. પક્ષના પદાધિકારીઓ સાથેની સમીક્ષામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ મહેનત કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે તેવી બેઠકોમાં કરવાનો અભિપ્રાય આપ્યો હતો.

મોદી અને લોકસભાના પ્રભારી ઓમ માથુર વચ્ચે થયેલી ચર્ચા પ્રમાણે કોંગ્રેસને ગુજરાતમાં બે કે ત્રણ બેઠકો મળે છે. કોંગ્રેસ આનાથી વધારે બેઠકો મેળવી શકે તેમ નથી. માથુરના અભિપ્રાય પ્રમાણે કોંગ્રેસને અમરેલી, જૂનાગઢ અને આણંદ કે પોરબંદર બેઠક પર ફાયદો થઇ શકે તેમ છે તેથી પક્ષે આ વિસ્તારોમાં માઇક્રો પ્લાનિંગ કરવાની આવશ્યકતા હોવાનું સૂચન કર્યું છે.

જોકે પક્ષના અધ્યક્ષ અમિત શાહ વિશ્વાસ સાથે કહે છે કે ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો ભાજપ ફરી એક વાર જીતી જશે. મોદીએ કરેલી સમીક્ષા બેઠકમાં સ્ટેટ અને સેન્ટ્રલ આઇબીના રિપોર્ટ તેમજ વિવિધ ટીવી ચેનલોના પોલને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે ભાજપની સમીક્ષા બેઠકમાં ભાજપના ૨૬ ઉમેદવારોના અભિપ્રાય અને તેમને પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્યો તેમજ કોંગ્રેસના જે આગેવાન કાર્યકરો ભાજપમાં જોડાયા છે તેમને પણ સક્રિય કરવા અને ભાજપતરફી મતદાન થાય તે માટેના પ્રયાસમાં કોઇ કસર નહીં રાખવાની સૂચના પણ હાઇકમાન્ડ દ્વારા અપાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter