અબુધાબી બીએપીએસ મંદિરને ઇન્ટિરિયર ડિઝાઇન કન્સેપ્ટ એવોર્ડ

Wednesday 02nd December 2020 07:05 EST
 
 

અબુધાબીઃ યુનાઇટેડ આરબ અમિરાતમાં આકાર લઇ રહેલા બીએપીએસ મંદિરને મિડલ ઇસ્ટનો પ્રતિષ્ઠિત બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇન કન્સેપ્ટ ઓફ ધ યર ૨૦૨૦ એનાયત થયો છે. કોમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઈન (સીઆઇડી) કેટેગરીમાં અપાયેલા આ એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠતા, નવીનતા અને વ્યવહારુ અભિગમ સહિતના વિવિધ પાસા ધ્યાને લેવાય છે. સમગ્ર મિડલ ઇસ્ટમાંથી આવેલી સેંકડો એન્ટ્રીમાંથી પસંદ થયેલી ટોપ-૧૫ ફાઇનલ એન્ટ્રીમાંથી અનુકરણીય ડિઝાઈન તરીકે બીએપીએસ મંદિરની ઇન્ટિરિયર ડિઝાઈન પસંદગી કરાઇ હતી.
આ ઐતિહાસિક બીએપીએસ મંદિરે નિર્માણ પૂર્વે જ બીજો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. જેનું નિર્માણ સહિષ્ણુતાની રાજધાની એવા અબુધાબીમાં થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બીએપીએસ મંદિરને ‘ધ બેસ્ટ મિકેનિકલ ડિઝાઈન’ કેટેગરીમાં મિડલ ઈસ્ટનો પ્રતિષ્ઠિત એમઇપી એવોર્ડ મળ્યો છે.
મુખ્ય ડિઝાઈનર માઈકલ મેકગિલ અને એન્થની ટેલરે એવોર્ડ બાદ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ‘સાથી વ્યવસાયિક દ્વારા આધુનિક અને પરંપરાગત શૈલીના વિશિષ્ટ સમન્વયની સુંદરતાને પિછાણવી એ ખૂબ જ ઉત્તમ બાબત છે. જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુઓએ વિચારોને મૂર્તિમંત કરવામાં અદ્‌ભુત રીતે મદદ કરી છે.’
આ પ્રતિષ્ઠિત એવોર્ડ અંગે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય, પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ કહ્યું હતું, ‘આ મંદિરની ઇન્ટિરિયર ડિઝાઈન પરંપરાગત એક જ પથ્થરમાંથી નિર્માણ પામતા હિન્દુ મંદિરની શિલ્પ-સ્થાપત્ય શૈલીથી પ્રેરિત છે.’
નિષ્ઠા જોઈને આનંદ થયોઃ વિદેશપ્રધાન જયશંકર
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે તાજેતરમાં બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ વર્ચ્યુઅલ બેઠક યોજીને યુએઇમાં ચાલી રહેલા મંદિર-નિર્માણ અંગે જાણકારી આપી હતી. બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણકાર્ય અંગે યુએઈ અને ભારત ખાતે થઈ રહેલા કાર્યોની વિગતે ચર્ચા કરી હતી. આ સમયે વિદેશ પ્રધાન જયશંકરે વર્તમાન પડકારજનક સમયમાં પણ બીએપીએસ દ્વારા અપાર નિષ્ઠા અને દૃઢ સંકલ્પ સાથે મંદિરનું નિર્માણ કાર્ય નિરંતર ચાલે છે, તે જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter