અભિનેતા પી. ખરસાણીની વિદાય

Tuesday 24th May 2016 15:07 EDT
 
 

પદ્મશ્રી અને પ્રખ્યાત લોકગાયિકા દિવાળીબહેન ભીલના નિધનના બીજા જ દિવસે ૨૦મી મેએ સાંજે ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના ઉમદા કલાકાર એવા ૯૧ વર્ષીય પી. ખરસાણીએ જીવનની રંગભૂમિમાંથી ‘ફાઇનલ એક્ઝિટ’ લીધી હતી. પ્રાણલાલ દેવજીભાઇ ખરસાણી કે જેમને કલાવિશ્વમાં સૌ પી. ખરસાણીથી ઓળખતા તેમણે ૭૫થી વધુ નાટકમાં તેમજ ૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. પી. ખરસાણીનું સ્વાસ્થ્ય છેલ્લા બે વર્ષથી નરમ-ગરમ રહેતું હતું.

 જીવન અને સંઘર્ષ

કલાજગતનો વડલો કહી શકાય તેવા પી. ખરસાણીનો જન્મ કલોલના ભાટવાડામાં ૧૯ જૂન ૧૯૨૬ના થયો હતો. પી. ખરસાણીએ કારકિર્દીની શરૂઆતમાં ચાની રેકડીમાં કપ-રકાબીથી ધોવાથી માંડી, ઓફિસમાં ગુમાસ્તા, રસોઇયા, દરજીકામ, મેકઅપ મેન, સેટ-લાઇટ-મંડપ ડિઝાઇનર સહિતના વિવિધ કાર્ય કર્યાં હતાં. પી, ખરસાણીએ ભારે સંઘર્ષ વેઠયા બાદ ગુજરાતી કળાક્ષેત્રે સિદ્ધિના સોપાન સર કર્યા હતા. પી. ખરસાણી અભિનિત ફિલ્મોમાં મુખ્યત્વે ‘લાખો ફુલાણી’, ‘મેના ગુર્જરી’, ‘નસીબની બલિહારી’, ‘નર્મદાને કાંઠે’, ‘ભાથીજી મહારાજ’, ‘હાલો ભેરુ અમેરિકા’ અને ‘ગોરલ ગરાસણી’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘પત્તાંની જોડ’, ‘મળેલા જીવ’, ‘પડદા પાછળ’, ‘અખિલ બ્રહ્માંડમાં એક સ્ત્રી તું ખરી’, ‘પાંચ મિનિટની પરણેતર’ જેવા અનેક નાટકોમાં યાદગાર અભિનય આપ્યો હતો.

શ્રદ્ધાંજલિ

પી. ખરસાણીના સંતાનોમાં ચાર પુત્રો, બે પુત્રીનો સમાવેશ થાય છે. સદ્ગતની અંતિમ યાત્રા ૨૧મીએ સવારે તેઓના નિવાસસ્થાનેથી નીકળી હતી અને પ્રાર્થના સભા રવિવારે જીએમડીસી કન્વેન્શન હોલ-૨ ખાતે રાખવામાં આવી હતી. જેમાં અભિનય અને કલાક્ષેત્રના મહાનુભવોએ પી. ખરસાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter