રાજકોટઃ સફળ ફિલ્મી સિતારાઓ યુવાનોના રોલ મોડેલ બની જતા હોય છે. તેમની ફિલ્મી પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવાતી જિંદગીનો પ્રભાવ પણ યુવાનો, લોકો પર પડતો હોય છે. ઘણા લોકો ફિલ્મી હિરોને અનુસરતા હોય છે. આવા સમયે ખ્યાતનામ કલાકારો પર સામાન્ય લોકો કરતા વધુ સાવધ રહીને વાસ્તવિક જીવન જીવવાની જવાબદારી હોય છે. જોકે ઘણી વખત હીરોઈઝમના તોરમાં કલાકારો છકી જઈને પોતાને સર્વસ્વ માનવા લાગતા હોય છે.
સોમવારે ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ-ઈનોવેશન કરવા અંગે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી સાથે મિટિંગ કરી હતી. હાલમાં કોરોનાની સ્થિતિ ભયંકર રીતે વકરી છે. એ સ્થિતિમાં માસ્ક નહીં પહેરવું એ રાષ્ટ્રીય અપરાધ ગણી શકાય. ખાસ કરીને ખ્યાતનામ લોકોએ તો કોરોના સંદર્ભમાં માર્ગદર્શિકાને અનુસરવી જ રહી. જોકે વિવેક ઓબેરોય મુખ્ય પ્રધાન સાથે મિટીંગ કરતી વખતે માસ્ક પહેરવાનો ‘વિવેક’ પણ ચૂક્યો હતો. સ્વયં મુખ્ય પ્રધાન રૂપાણી, અને બોર્ડ રૂમમાં હાજર અન્ય તમામ લોકોએ માસ્ક પહેર્યું હતું. પરંતુ આ અભિનેતાએ તે અનુસરવાનું યોગ્ય માન્યું નહીં!
માસ્ક નહીં પહેરવા બદલ સામાન્ય લોકો પાસેથી હજારોના દંડ વસૂલતા કાનૂનના લાંબા હાથ પણ આ કલાકાર પેસે ટૂંકા પડ્યા હોય તેમ જણાય છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દી ચલચિત્ર જગતના અભિનેતા વિવેક ઓબેરોયે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિવેક ઓબેરોયે ખાસ કરીને સ્ટાર્ટઅપ ઈનોવેશન સેક્ટરમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીના માધ્યમથી દિવ્યાંગો માટે પણ સ્ટાર્ટઅપ ઈનોવેશન એજ્યુકેશન સિસ્ટમ પ્રભાવક રીતે કાર્યરત કરવા અંગે મુખ્ય પ્રધાન રૂપાણી સાથે વિશદ્ પરામર્શ કર્યા હતા. તેમણે ગુજરાતમાં ટોય ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં પણ સ્ટાર્ટઅપ-ઈનોવેશનથી ટોય ઈન્ડસ્ટ્રી હબ બનાવવા સ્ટાર્ટઅપ-ઈનોવેશન યુનિવર્સીટીએ ટોય હેકાથોનના માધ્યમથી કરેલી પહેલ અંગે ચર્ચાઓ હાત ધરી હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ દિવ્યાંગ વ્યક્તિઓના સ્ટાર્ટઅપ-ઈનોવેશનને છેક ગ્રામિણ અંતરિયાળ વિસ્તાર સુધી યોગ્ય દિશા મળે તે માટેના તેમના પ્રયાસોમાં રાજ્ય સરકાર યોગ્ય સહયોગ આપશે તેમ જણાયું હતું.