નવીદિલ્હીઃ એર પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ગુરુપ્રસાદ મહાપાત્રે ૧૬મીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને જયપુર એર પોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનો વહીવટ માર્ચ સુધીમાં ખાનગી એકમને સોંપી દેવાશે. પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, બંને એર પોર્ટ પરના તમામ કર્મીઓને રિપ્લેસ કરવામાં આવશે. જે કંપનીની ટેન્ડર દ્વારા પસંદગી થશે તેમને એર પોર્ટનો હવાલો કોરી સ્લેટની જેમ આપવામાં આવશે. તે ખાનગી એકમ પોતાના કર્મચારીઓ કામે લગાડશે. વર્તમાન મશીનરી ત્યાં જ રહેશે, પરંતુ કંપનીને કાર્યદક્ષતામાં વધારો કરવા કોઇ ઉમેરો કરવો હશે તો તેની છૂટ રહેશે. ટર્મિનલની અંદર ખાનગી એકમ બધું મેનેજ કરશે. અમદાવાદ અને જયપુર એર પોર્ટનો વહીવટ ખાનગી એકમને સોંપવાના ટેન્ડર બહાર પડી ચૂક્યાં છે, જે બીડર વહીવટી ખર્ચની નીચામાં નીચી તેમજ આવકવધારા ઊંચામાં ઊંચી બોલી બોલશે તેમને કોન્ટ્રાક્ટ અપાશે. ખાનગી એજન્સી સાથે ૧૫ વર્ષના કોન્ટ્રાક્ટ કરવામાં આવશે.


