અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિપાર્ચર અને એરાઇવલ બિલ્ડિંગની બહાર પેસેન્જરોની મદદ માટે તાજેતરમાં હેલ્પ કાઉન્ટર શરૂ કરીયું છે. રાતોરાત ટેન્ડર મળી ગયા પછી એક સર્વિસ પ્રોવાઇડ કરવાના બદલે ટેક્સી સર્વિસ, કુલી સર્વિસ, હોટેલ બુકિંગ સર્વિસ અને એર ટિકિટ બુકિંગ જેવી ચાર સર્વિસ અમદાવાદ એરપોર્ટ પર મળશે તેવું બોર્ડ ઇન્ટરનેશનલ બિલ્ડિંગની સામે લગાવાયું છે.
એરપોર્ટ પર પેસેન્જરોની ગાડીઓ આવે ત્યારે હેલ્પ કાઉન્ટર પરથી લોડરો ગાડીઓની પાછળ દોડાદોડ કરી મૂકે છે. આ દૃશ્ય રેલવે સ્ટેશનની યાદ અપાવે છે. ટેન્ડરની શરતો મુજબ હેલ્પ કાઉન્ટર પર આવીને પેસેન્જર મદદ માગી શકે છે. પેસેન્જર મદદ ઇચ્છે તો તેનો સામાન ટ્રોલીમાં મૂકીને લોડર સિક્યોરિટી ચેકિંગ અને વજન કરાવી, બેગો મૂકીને બહાર આવે છે. આ કામ માટે નિયમ મુજબ રૂ. ૩૦૦ લેવાઇ રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, ટેન્ડર પ્રક્રિયા નિયમ મુજબ થઇ છે પણ જે પ્રકારે સર્વિસ અપાઇ રહી છે તેથી પેસેન્જરો અને તેમના સગા સંબંધીઓ હેરાન થઇ રહ્યા છે. પેસેન્જરોની સુવિધા માટે આ કાઉન્ટર શરૂ થયું છે, પણ ટ્રોલીઓ બીજા કોન્ટ્રાક્ટરની ઉપયોગમાં લેવાઇ રહી છે. વળી, જે ચાર સેવાઓ ઓફર થઇ રહી છે તે તમામ માટે અલગ ટેન્ડર પ્રક્રિયા થઇ છે કે કેમ તે તપાસનો વિષય છે.


