અમદાવાદઃ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એર પોર્ટ, અમદાવાદ પર ૧૯મીએ વિમાનને બર્ડહિટ ન થાય તે માટે પક્ષીઓ ભગાડવા વધુ તીવ્રતા વાળો બોમ્બ ફેંકાયો હતો. જેના તણખલાથી રન-વે પર પડેલા સુકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ તડકામાં બપોરે દોઢ વાગ્યે દોડધામ થઈ ગઈ હતી.
આગને કાબૂમાં કરતા ચાર કલાકનો સમય લાગી ગયો હતો. આ દુર્ઘટનાને લીધે એક કલાક રન-વે બંધ કરવાની ફરજ પડી હતી અને કુલ આઠ ફલાઇટ્સ દોઢ કલાક જેટલી મોડી પડી હતી. બીજી તરફ કેટલીક ફલાઇટ્સને લેન્ડિંગ માટે મંજૂરી ન મળતાં આકાશમાં આ વિમાનો ચક્કર મારતા રહ્યા હતા. આ ઘટનાના લીધે હજારો મુસાફરો અટવાઇ પડયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ એર પોર્ટના સાડા ત્રણ કિ.મી લાંબા રન-વે પરથી ઘાસ કાપીને રન-વેની અંદર આવેલી ફાયર બ્રિગેડની ઓફિસ પાસે ઘાસનો ઢગલો કર્યો હતો. જોકે એર પોર્ટના સત્તાધીશોની બેદરકારીને કારણે ઘાસનો નિકાલ ન થતાં ક્રેકર ટીમે પક્ષીઓ ભગાડવા માટે બોમ્બ ફેંક્યો તેનો તણખલો સુકા ઘાસમાં પડ્યો અને આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે એર પોર્ટ ઓથોરિટીએ બહારથી ફાયર ફાઇટર્સને બોલાવવાની ફરજ પડી હતી.


