અમદાવાદઃ એર પોર્ટ ઓથોરિટીએ અમદાવાદ એર પોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર પ્રાયોગિક ધોરણે બે સેલ્ફ ચેક ઇન મશીન તાજેતરમાં મૂકયા છે. પેસેન્જરો લાંબી લાઈનમાં ઉભા રહ્યા વગર જાતે પીએનઆર નંબરની મદદથી બોર્ડિંગ પાસ મેળવી શકશે. એર પોર્ટના અધિકારીએ જણાવ્યું કે, અત્યારે પેસેન્જરો જે તે કાઉન્ટર પર ટિકિટ બતાવી બોર્ડિંગ પાસ મેળવે છે. ત્યાં તેમને સીટ નંબર લગેજ ચેક ઇન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે અને તેથી પેસેન્જરે ૨થી ૩ કલાક પહેલાં એર પોર્ટ પર પહોંચી જવું પડે છે.
અમદાવાદ એર પોર્ટના ડાયરેક્ટર એ. કે. શર્માએ જણાવ્યું કે, હવે બોર્ડિંગ પાસ માટે પીએનઆર નંબર નાંખતા સીટ નંબર સહિતની વિગત ભર્યા બાદ પેસેન્જરને બોર્ડિંગ પાસની પ્રિન્ટ મળશે. સ્કેનર મશીન તેમજ સિક્યોરિટી ચેક બુથ વધ્યા: લોકોને સિક્યોરિટી ચેકિંગ માટે વધુ સમય લાઈનમાં ઉભા રહેવું ન પડે તે માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ પર સિક્યોરિટી ચેક બુથની સંખ્યા વધારાઈ છે. લગેજ ચેક કરવામાં પણ વધુ સમય ન વેડફાય તે માટે ડોમેસ્ટિક ટર્મિનલ પર એક્સરે સ્કેનર મશીનની સંખ્યા ૩માંથી ૫, જ્યારે ઇન્ટરનેશનલ ટર્મિનલ પર બેમાંથી વધારીને ૪ કરાઈ છે.


