અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પર હાલમાં રેલવે સ્ટેશન કરતાં પણ ખરાબ પરિસ્થિતિનો સામનો મુસાફરોએ કરવો પડે છે. પ્રવાસીઓના કારમાંથી ઉતરતાંની સાથે જ આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પર કંપનીએ તેનાત કરેલા લોડરો તેમની પાસેથી જબરદસ્તીથી લગેજ ખેંચી લે છે. આ પ્રકારનું ખરાબ વર્તન કરતા લોડરોને કારણે અનેક પ્રવાસીઓની ફરિયાદો ઊઠી છે. છતાં એર પોર્ટ સત્તા તરફથી કોઈ જવાબ નથી.
આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પર પ્રવાસીઓને સર્વિસ પ્રોવાઇડ કરતી એક ખાનગી કંપનીએ પ્રવાસીઓના ખિસ્સા ખંખેરવાનું શરૂ કરી દીધું છે. એર પોર્ટ પર કારમાંથી ઉતરીને પ્રવાસી ટર્મિનલમાં જાય તે પહેલાં જ આ કંપનીના લોડરો તેમની આસપાસ ઘેરી વળે છે. પ્રવાસીને સર્વિસ ન લેવી હોય તો પણ હાથમાંથી બેગ ખેંચી લે છે. જેથી આંતરરાષ્ટ્રીય એર પોર્ટની છબી ખરડાઇ રહી છે. એટલું જ નહીં સામાન ટર્મિનલ સુધી પહોંચાડવાના નક્કી કરેલા ચાર્જ કરતાં વધુની માગ લોડરો પ્રવાસીઓ પાસેથી કરીને મનફાવે તેવો ચાર્જ વસૂલી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. થોડા સમય પહેલાં એર પોર્ટ પર રિક્ષા ચાલકોની હેરાનગતિને લઇને શોર્ટ ડોક્યુમેન્ટરી પણ બનાવાઈ હોવા છતાં પ્રવાસીઓની મુશ્કેલી યથાવત રહી છે.
અમદાવાદથી દુબઇ જતા એક પ્રવાસીએ આ મામલે જણાવ્યું હતું કે, મેં જ્યારે એક લોડર પાસેથી સર્વિસ લીધી ત્યારે મારો સામાન એરલાઇન કાઉન્ટર સુધી પહોંચાડવા લોડરે રૂ. ૬૦૦ની માગણી કરી. મેં જ્યારે કહ્યું કે, બહાર કાઉન્ટર પર આ સર્વિસના રૂ. ૩૦૦ લખ્યા છે ત્યારે લોડરે દલીલો શરૂ કરી દીધી અને અંતે રૂ. ૫૦૦ પડાવી જ લીધા.
અમદાવાદ એર પોર્ટ પર પ્રવાસીઓની હાલત આ રીતે જ કફોડી બની જાય છે. પ્રવાસી ટર્મિનલમાંથી બહાર આવે કે રિક્ષાવાળા તેમનું લગેજ ખેંચીને ઊંચા ભાડાથી સવારી લે છે. રિક્ષાચાલકોની મજબૂત સિન્ડિકેટના કારણે રિક્ષાવાળા પ્રવાસીઓને મીટરથી લઈ જવાની ના પાડે છે અને પ્રવાસીઓને ત્રણ ગણું ભાડું ચૂકવવું પડે છે. તો બીજી તરફ એર પોર્ટ પર લોડરો મનફાવે તેમ પ્રવાસીઓ પાસેથી સર્વિસના ચાર્જ લે છે.
સીએમએસ 29-2-2016

