અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરતી ખાનગી કંપની અદાણીએ ૧ એપ્રિલથી વાહનોના પાર્કિંગ ચાર્જમાં ડબલ વધારો કર્યો છે. તેની સાથે વધુ એક નિર્ણય મુજબ હવે અદાણીએ એરપોર્ટ પર પેસેન્જરો મુકવા કે લેવા આવતા સંબંધીઓ માટે ફ્રી સમય મર્યાદા અગાઉથી ૧૫ મિનિટથી ઘટાડીને માત્ર પાંચ મિનિટ કરી દીધી છે. બીજી બાજુ રોડ પર તૈયાર થનારા પાર્કિંગ ટોલ બુથથી ટર્મિનલ સુધી જઇને પરત આવવામાં કારને ઓછામાં ઓછા ૭થી ૮ મિનિટનો સમય લાગે છે.
એરપોર્ટ ઓપરેટર કંપની અદાણીમાં બહાર પાડેલા આદેશ મુજબ એરપોર્ટના એરાઇવલ અને ડિપાર્ચર એરિયામાં પેસેન્જરોને લેવા કે મુકવા આવતા તમામ પ્રાઇવેટ અને કોમર્શિયલ વાહનો પાસેથી વસૂલ કરવામાં આવશે. એરિયામાં આવતા વાહનોને ફક્ત ૫ મિનિટનો ફ્રી સમય મળશે. એટલે કે એરાઇવલ એરિયામાં આવતા વાહનોને આવી કોઇ સુવિધા નહીં મળે અને તેમને પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે. એ જ રીતે ઇન્ટરનેશનલ ટર્મિનલ એરાઇવલ અને ડિપાર્ચર એરિયામાં આવતા તમામ વાહનોને ૫ મિનિટનો ફ્રી સમય અપાશે. જ્યારે ઓટો સ્ટેન્ડમાં આવતાં તમામ રિક્ષાવાહનચાલકોએ રૂ.૬૦ ચાર્જ ચુકવવો પડશે.
૫ મિનિટ ફ્રી સમય આપ્યા બાદ કારના ૩૦ મિનિટ માટે ૯૦ રૂપિયા અને ૨ કલાક માટે ૧૫૦ રૂપિયા વસૂલ કરવામાં આવશે. જ્યારે અગાઉ ૨ કલાક સુધી પાર્કિંગ પેટે પેસેન્જરો પાસે ફક્ત ૮૦ રૂપિયા વસૂલ થયા હતા.
એ જ રીતે ટૂ વ્હીલર માટે અગાઉ ૨૦ રૂપિયા વસૂલ કરાતા હતા. પરંતુ હવે ૩૦ મિનિટ માટે ૩૦ રૂપિયા અને ૨ કલાક માટે ૮૦ રૂપિયા વસૂલ કરવામાં આવશે. આમ કાર પાર્કિંગમાં ડબલનો જ્યારે ટુવ્હીલર પાર્કિંગમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે.


