અમદાવાદ એરપોર્ટ પર ફ્રી ‘શટલ’ સર્વિસ

Monday 25th January 2021 09:49 EST
 
 

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિકથી ઈન્ટરનેશનલ એટલે કે એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર અવરજવર કરવી હશે તો હવે મુસાફરો માટે સરળ રહેશે. કારણ કે એરપોર્ટ પર મુસાફરો માટે ફ્રી ‘શટલ’ સર્વિસ શરૂ કરાઈ છે. આ સુવિધા અંતર્ગત એરપોર્ટ પર કોઈ ડોમેસ્ટિક પેસેન્જરને ઇન્ટરનેશનલ ટર્મિનલ પર જવું હશે તો ફ્રી શટલ સેવાનો લાભ લઈ શકશે. બેટરી ઓપરેટેડ લક્ઝુરિયસ ‘શટલ’માં એક સાથે ત્રણ મુસાફરો બેસી શકશે. અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલની બંને બાજુએ બે-બે શટલ મુકાયાં છે. આ સેવા એરપોર્ટ પર ૨૪ કલાક માટે કાર્યરત રહેશે. આ શરૂ થયેલી શટલ સેવા મુસાફરોને ધ્યાનમાં આવે તે માટે ટર્મિનલમાં દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યાં છે.
અત્યાર સુધી એરપોર્ટ પર એકથી બીજા ટર્મિનલ પર જવા મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કેટલાક મુસાફરો ભૂલથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયા બાદ ડોમેસ્ટિક ટર્મિનલ પર જવા એક કિ.મી.નું અંતર ન હોવા છતાં મજબૂરીથી ઊંચુ ભાડું ચૂકવીને જવું પડતું હતું. કેટલીક વખત તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ટર્મિનલ મેનેજરની પણ મદદ લેવી પડતી હતી. હવે ઇન્ટરનેશનલ ફ્લાઈટ સાથે ડોમેસ્ટિક ફ્લાઈટની કનેક્ટિવિટી હશે તો આ ફ્રી શટલ સેવાથી પ્રવાસીઓને રાહત રહેશે અને સમય પણ બચી જશે.

એરપોર્ટ પર રૂ. ૮૫ કરોડનું ટ્રાવેલેટર બંધ હાલતમાં

એકથી બીજા ટર્મિનલ પર મુસાફરોની અવર-જવર માટે એરપોર્ટ ઓથોરિટીએ રૂ. ૮૫ કરોડના ખર્ચે ટ્રાવેલેટર બનાવ્યું છે, પરંતુ ઘણા વખતથી કોઈ ફ્લાઈટ કનેક્ટ ન થતી હોવાથી તે બંધ હાલતમાં ધૂળ ખાય છે. કોરોના વચ્ચે એરપોર્ટ ગત નવેમ્બર, ૨૦૨૦થી અદાણી હસ્તકમાં આવી ગયા બાદ ઇન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી ટ્રાવલેટર અમુક પ્રવાસીઓ માટે શરૂ કરી શકાય નહીં જેથી હાલ પૂરતી આ ફ્રી શટલ સેવા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter