અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇ એલર્ટના પગલે પેસેન્જરોને લેવા કે મૂકવા આવતા લોકોના વિઝિટર પાસ બે સપ્તાહ માટે બંધ કરાયા છે. ઉપરાંત શંકાસ્પદ પેસેન્જરોના બુટ પણ કઢાવીને ચેક કરવાની સાથે વિમાનમાં જગ્યા લેતાં પહેલાં પણ એરલાઈન્સના સિક્યોરિટી સ્ટાફ દ્વારા ફરીથી મુસાફરોનું ચેકિંગ થાય છે. એરપોર્ટ ઓથોરિટી મુજબ, હાઈ એલર્ટને કારણે આ રીતે સુરક્ષા બંદોબસ્ત કરાયો છે.
• બેન ગયાં ને ઇબીસી પણ ગઈઃ રાજ્ય સરકારે જાહેર કરેલા બિનઅનામત વર્ગના નાગરિકો માટેની ૧૦ ટકા આર્થિક અનામતને ગુજરાત હાઈ કોર્ટે ત્રીજી ઓગસ્ટે ગેરબંધારણીય જાહેર કરી સરકારનો વટહુકમ રદ કર્યો છે. ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી. એમ. પંચોલીની ખંડપીઠે નોંધ્યું હતું કે, રાજ્ય સરકારે અનામતની જોગવાઈનો ખૂબ ઉતાવળે અને કોઈ પણ જાતનો સરવે કર્યા વિના અમલ કર્યો હતો. હાઈ કોર્ટે રાજ્ય સરકારની બિનઅનામત વર્ગના લોકો માટેની અનામતને ગેરકાયદે જાહેર કરી તેને રદ કરી છે. આ સાથે ઈબીસીને આધારે અપાયેલા એડ્મિશન પણ હાઈ કોર્ટે રદ કર્યા છે.
• વિધાનસભા ચૂંટણીની રણનીતિ માટે કોંગ્રેસની બેઠકઃ કોંગ્રેસે વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીઓની રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી દીધી છે. ખાસ કરીને ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરપાલિકામાં ભલે સત્તા ન મળી, પરંતુ મતોની ટકાવારીમાં વધારો થતાં વિધાનસભાની ચૂંટણીમાં તેના પર વધુ ભારપૂર્વક કામ કરવાનું લક્ષ્યાંક સેવ્યું છે. આ માટે શહેરી વિસ્તાર માટેની સંકલન સમિતિની એક બેઠક કોંગ્રેસ દ્વારા ૬ઠ્ઠી ઓગસ્ટે પ્રદેશ કાર્યાલયે યોજવામાં આવી હતી.
• શંકરસિંહ વાઘેલા ઈડીના સકંજામાંઃ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સામે ત્રીજી ઓગસ્ટે એન્ફોર્સમેન્ટ ડાયરોક્ટરેટે કેસ નોંધ્યો છે. NTC (નેશનલ ટેક્સટાઈલ કોર્પેરેશન)ની જમીન ગેરકાયદેસર ટ્રાન્સફર કરવાના મુદ્દે આ કેસ તેમના પર ફાઈલ કરાયો છે. તેમના પર જમીન ટ્રાન્સફરમાં સરકારને રૂ. ૭૦૯ કરોડના નુક્સાનનો આરોપ છે. યુપીએ સરકાર સમયે શંકરસિંહ ટેક્સટાઈલ્સ મિનિસ્ટર હતા ત્યારે તેમના પર આ આરોપ લગાવાયો હતો.
• માયાવતી કહે, સિવિલમાં દલિતોની સારવાર ન થઈ શકે તો દિલ્હી મોકલોઃ અમદાવાદ સિવિલમાં સારવાર લઇ રહેલાં ઉનાના દલિતકાંડના પીડિતોની બસપા સુપ્રીમો માયાવતીએ ચોથી ઓગસ્ટે બપોરે મુલાકાત લીધી હતી. દાખલ ચારેય પીડિતની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, સિવિલમાં પીડિતોની સારવાર ન થઇ શકતી હોય તો તેમને દિલ્હી મોકલી આપજો. અમારી પાર્ટી તેમની સારવારની તમામ વ્યવસ્થા કરશે. માયાવતીએ મુલાકાત દરમિયાન ત્રણ સહિત કુલ સાત પીડિતોને પ્રત્યેકને રૂ. બે બે લાખ રોકડાની સહાય કરી હતી.

