અમદાવાદ: સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર હાલમાં વેકેશન હોવાથી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. એનો ફાયદો અમદાવાદના બંને એરપોર્ટ પરની લગેજ ટ્રોલી સર્વિસ આપતી કંપનીઓ ઉઠાવી રહી છે. જેની ફરિયાદ પ્રવાસીઓેએ ટર્મિનલ મેનેજરને પણ કરી રહ્યાં છે છતાં કંપનીની સર્વિસ સામે એરપોર્ટના સત્તાધીશો દ્વારા કોઇ પગલાં લેવાતા નથી.
અમદાવાદના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર મૂળ દિલ્હીની સપ્તગીરી કંપનીની સ્વાગત સર્વિસ દ્વારા એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને લગેજ ટ્રોલી સહિત અન્ય સર્વિસ પૂરી પાડવાની સિસ્ટમ થોડા સમય પહેલાં શરૂ થઈ છે. સત્તાવાર જાહેરાત મુજબ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લગેજ એરલાઇનના કાઉન્ટર સુધી મૂકવાના સર્વિસ પેટે પ્રવાસી દીઠ રૂ. ૩૦૦ અને ડોમેસ્ટિકમાં રૂ. ૧૦૦ ચાર્જ છે. જ્યારે હાલમાં અમદાવાદ એરપોર્ટ પર મોટાભાગની ફલાઇટ્સ મોડી રાતની હોવાથી પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે આ કંપનીના કર્મચારીઓ જબરદસ્તીથી કાલુપુર રેલવે સ્ટેશનની માફક પ્રવાસીઓના હાથમાંથી રીતસરની બેગો ઝૂંટવી લે છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કર્મચારીઓ પ્રવાસી દીઠ લગેજ ટ્રોલી સર્વિસના રૂ. ૬૦૦ની ઊઘરાણી કરે છે. સર્વિસ પૂરી પાડતાં લોડર્સ પ્રવાસીઓ પાસેથી ખુલ્લેઆમ ટીપ પણ માગતા નજરે પડે છે.


