અમદાવાદઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પેસેન્જરોની સુરક્ષા વધુ મજબૂત કરતાં અમદાવાદ એરપોર્ટ પર ઓનલાઈન બેગેજ સ્ક્રિનીંગ સિસ્ટમ (આઈએલબીએસએસ) શરૂ કરી છે. આ સિસ્ટમમાં બે સિટીએક્સ (કમ્પ્યુટર ટોમોગ્રાફી એક્સ-રે) મશીન ફીટ કરવામાં આવ્યા છે. જે કોઈ પણ લગેજની થ્રી-ડી હાઈ રિઝોલ્યુશન ઇમેજ આપીને તેનું ૩૬૦ ડિગ્રી સાથે સ્ક્રિનિંગ કરે છે. આ પદ્ધતિથી પેસેન્જરોનો સમય બચે છે. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું કે, આ મશીનમાં નાનામાં નાની જોખમી વસ્તુ પણ સ્ક્રિનિંગ દરમિયાન પકડાઈ જશે. આ મશીનનું સંપૂર્ણ નિરીક્ષણ કંટ્રોલ રૂમમાં નિષ્ણાત સુરક્ષા જવાનો કરી રહ્યા છે.
ઉડાન-૪ હેઠળ વધુ ૭૮ રૂટને મંજૂરી
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉડાન-૪ યોજના હેઠળ નવા ૭૮ રૂટ મંજૂર કર્યા છે, જેમાં સુરત અને વડોદરાથી દીવના રૂટનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશની ઘણી ધાર્મિક નગરીઓ પણ પરસ્પર હવાઇ રૂટથી જોડાશે. આ શહેરો માટે સસ્તી હવાઇ મુસાફરી શરૂ થશે. નવા રૂટ્સમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં શહેરો પણ સામેલ છે. ઉત્તર પ્રદેશની પાંચ ધાર્મિક નગરી માટે ૧૦ રૂટ છે, જેમાં કાનપુરથી ચિત્રકૂટ, ચિત્રકૂટથી પ્રયાગરાજ, શ્રાવસ્તીથી વારાણસી, શ્રાવસ્તીથી પ્રયાગરાજ અને શ્રાવસ્તીથી કાનપુર સામેલ છે. કાનપુરથી મુરાદાબાદ અને બરેલીથી દિલ્હી માટે સસ્તી સેવા ઉપલબ્ધ હશે.