અમદાવાદ એરપોર્ટ પર ૧૫ ઓગસ્ટથી ઇ-વિઝાની સુવિધા શરૂ

Friday 14th August 2015 06:06 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિઝા ઓન અરાઇવલ સુવિધાનો પ્રારંભ ૧૫ ઓગસ્ટથી થયો છે. આ માટે એરપોર્ટ પર અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સગવડથી મુસાફરો સરળતાથી ગુજરાત આવી શકશે અને તેનાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. અત્યાર સુધી દેશમાં નવ એરપોર્ટ પર આ સુવિધા ઉપલબ્ધ હતી, હવે અમદાવાદ સહિત અન્ય સાત એરપોર્ટ પર પણ આ સુવિધા મળશે. આથી હવે ૩૬ દેશના વિદેશી પ્રવાસી સીધા જ અમદાવાદ એરપોર્ટ પર આવી શકશે. જોકે, વિદેશી પ્રવાસીએ ભારત સરકાર દ્વારા ઈ-ટુરીસ્ટ વિઝા લેવાના રહેશે. જેનાથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી શકશે. અમદાવાદ આવ્યા પછી જેતે પ્રવાસીએ કોઇપણ ફી ચૂકવવાની રહેશે નહીં, ફક્ત પેપર વિઝાના આધારે તેઓ ઇમિગ્રેશનમાંથી ક્લિયરન્સ મેળવી શકાશે.

આ વર્ષે જાન્યુઆરીમાં ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટમાં ૧૬ દેશોના વિદેશી ડેલિગેટ્સ આવ્યા હતા. વિઝા ઓન અરાઇવલ સુવિધા ન હોવાથી તેમને મુંબઈ કે દિલ્હી થઈને અમદાવાદ આવવું પડ્યું હતું, કેટલાક વિદેશી પ્રવાસીઓએ આ વ્યવસ્થા શરૂ કરવા સૂચન પણ કર્યું હતું.

અત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઈ, અબુધાબી, મસ્કત, લંડન, નેવાર્ક, શારજાહ, કતાર જેવા દેશોની ફ્લાઇટ કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાથી આ દેશોમાંથી પ્રવાસી સીધા જ એરપોર્ટ પર ઇ-વિઝા લઈને આવી શકશે.

કયા દેશના ટૂરિસ્ટો ઈ-વિઝા લઈ શકશે

મલેશિયા, યુકે, સ્પેન, આર્જેન્ટિના, બેલ્જિયમ, હંગેરી, નેધરલેન્ડ, તાઇવાન, ક્યુબા, જમૈકા, મંગોલીયા, પેરૂ, આયરલેન્ડ અને ચીન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter