અમદાવાદઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે દાયકા બાદ રન-વે રિસરફેસ કરવાની કામગીરી હાથ ધરી છે. એક વર્ષ સુધી સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી રન-વે રિસરફેસના કારણે સંપૂર્ણ બંધ રહેશે. જેથી ડોમેસ્ટિક સેક્ટરની ૧૫ ફલાઇટ્સ બંધ કરવાની એરલાઇન કંપનીઓએ જાહેરાત કરી છે. પ્રવાસીઓએ એડવાન્સમાં લો-ફેરમાં ટિકિટ બૂકિંગ કરાવેલા હજારો પ્રવાસીઓના શિડયૂલ ખોરવાઈ જશે.
ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાડા ત્રણ કિ.મી. લાંબા રન-વેનું રૂ. ૩૦ કરોડના ખર્ચે રિસરફેસ કરવાની કામગીરી ગત ૨૫ ફેબ્રુઆરીથી શરૂ કરી થઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ પ્રોજેક્ટ ૧૮ મહિનામાં પૂરો કરવાનો હતો, પણ મંજૂરી લેવામાં વિલંબ થતાં હવે એક વર્ષમાં કામગીરી પૂરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.


