અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ખૂબ જ નજીકના સમયમાં બે નવી ડોમેસ્ટિક અને એક ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાશે. જે નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાશે તેમાં અમદાવાદ-મસ્કતનો સમાવેશ થાય છે. ૭ જૂનથી ૩૧ ઓગષ્ટ દરમિયાન ઓપરેટ થનારી આ ફ્લાઈટ મસ્કતથી રાત્રે ૧૨-૧૦ વાગ્યે રવાના થઈને સવારે ૪ વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. આવી જ ફ્લાઈટ અમદાવાદથી રાત્રે ૧૦ વાગ્યે રવાના થઈ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે ૧૧ વાગ્યે મસ્કતમાં ઉતરાણ કરશે. આ ઉપરાંત જેસલમેર-અમદાવાદ વાયા જયપુરની ફ્લાઈટ ૧ જૂનથી શરૂ થશે. આ ફ્લાઈટ જેસલમેરથી સાંજે ૫ વાગ્યે રવાના થઈને સાંજે ૬-૧૦ના જયપુર પહોંચશે અને ત્યાં ૨૦ મિનિટનું સ્ટોપેજ છે. જયપુરથી આ ફ્લાઈટ રવાના થઈને રાત્રે ૮-૧૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. ૧ જૂનથી અમદાવાદ-ચંદીગઢ-શ્રીનગર વચ્ચે પણ ફ્લાઈટ શરૂ થાય તેવી સંભાવના છે. આ ફ્લાઈટ શ્રીનગરથી બપોરે ૧૨-૩૦ના રવાના થઈને બપોરે ૩ વાગ્યે ચંદીગઢ પહોંચશે. બપોરે ૩-૩૫ કલાકે ચંદીગઢથી અમદાવાદ જવા માટે રવાના થશે.
અમદાવાદ-ઇંદોર ફ્લાઈટ
૧૫ જૂનથી ઈન્દોરથી અમદાવાદ વચ્ચે નવી ૧૯ સીટર ફ્લાઈટ શરૂ થવાની છે. આ ફ્લાઈટ રાતે ૮.૦૫ વાગ્યે અમદાવાદથી રવાના થશે અને ૯.૧૦ વાગ્યે ઈન્દોર આવશે તથા રાતે ૯.૩૫ વાગ્યે ઈન્દોરથી રવાના થશે અને ૧૦.૪૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. કેન્દ્રની પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ 'ઉડાન' હેઠળ અનેક નવી એરલાઈન્સ નવી ફ્લાઈટ શરૂ કરે છે. તેના હેઠળ એર ઓડિશા આ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. એરપોર્ટ ઓથોરિટી અને ડીજીસીએએ તેની મંજૂરી આપી દીધી છે. એરપોર્ટ ડિરેક્ટર અર્યમા સાન્યાલે જણાવ્યું, કંપનીનો પ્રયાસ છે કે તે ૬ જૂનથી જ ઉડ્ડયન શરૂ કરે. ઉડાન યોજના હેઠળ ફ્લાઈટ હોવાથી ભાડું પણ રૂ. ૩થી સાડા ત્રણ હજાર હશે.
ઉડાનની શરૂઆત કંપની દ્વારા બીચક્રાફ્ટ ૧૯૦૦ ડી વિમાનથી થશે. આ વિમાન ૧૯ સીટર છે. તેમાં ૧૮ પ્રવાસી પ્રવાસ કરી શકશે. ફ્લાઈટ રવિવારે નહીં ચાલે. તે સોમવારથી શનિવાર સુધી જ ચાલશે. અત્યારે ઈન્દોરથી અમદાવાદ વચ્ચે જેટ એરવેઝની ફ્લાઈટ ચાલે છે.

