અમદાવાદ એરપોર્ટ લાખો મુસાફરોની અવર-જવર સાથે દેશમાં ત્રીજા સ્થાને

Wednesday 01st May 2019 06:48 EDT
 
 

અમદાવાદઃ એકતરફ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાનગીકરણ કરાયું છે જ્યારે બીજી તરફ તેમાં અવર-જવર કરતા મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. માર્ચ ૨૦૧૯માં અમદાવાદ એરપોર્ટમાં ૭.૬૮ લાખ ડોમેસ્ટિક અને ૧.૯૨ લાખ ઇન્ટરનેશનલ એમ વિક્રમી ૯.૬૦ લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તકના જે એરપોર્ટમાં માર્ચ-૨૦૧૯માં મુસાફરોની સૌથી વધુ અવર-જવર નોંધાઇ હોય તેમાં ચેન્નાઇ, કોલકાતા બાદ અમદાવાદ ત્રીજા સ્થાને છે.
અમદાવાદ એરપોર્ટમાં માર્ચ ૨૦૧૮માં ૧.૬૧ લાખ જ્યારે માર્ચ ૨૦૧૯માં ૧.૯૨ લાખ ઇન્ટરનેશનલ પેસેન્જર્સની અવર-જવર નોંધાઇ છે. આમ, ગત માર્ચની સરખામણીએ આ વખતે માર્ચમાં ૧૮.૮ ટકા ઇન્ટરનેશનલ પેસેન્જર્સનો વધારો નોંધાયો છે. આ જ રીતે માર્ચ ૨૦૧૮માં ૫.૮૬ લાખ અને માર્ચ ૨૦૧૯માં ૭.૬૮ લાખ ડોમેસ્ટિક પેસેન્જર્સે અમદાવાદ એરપોર્ટ પર અવર-જવર કરી છે. આમ, ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં ૩૧.૧ ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટમાં એપ્રિલથી માર્ચ ૨૦૧૭-૧૮માં ૯૧.૭૪ લાખ જ્યારે એપ્રિલથી માર્ચ ૨૦૧૮-૧૯માં ૧.૧૧ કરોડ મુસાફરોની કુલ અવર-જવર નોંધાઇ છે. આમ, એક વર્ષમાં મુસાફરોની અવર-જવરમાં ૨૧.૮૦ ટકાનો વધારો નોંધાયો છે. હવે એપ્રિલ, મે માસમાં વેકેશનની મોસમ હોવાથી તેમાં મુસાફરોની સંખ્યામાં હજુ પણ વધારો જોવા મળી શકે છે.
હાર્ટ એટેકના સંજોગોમાં સારવાર માટે મશીન
ઉલ્લેખનીય અમદાવાદ એરપોર્ટ મુસાફરો માટે સુવિધાજનક બની રહે તે માટે પ્રગતિકારક પગલાં લેવાઈ રહ્યાં છે. એરપોર્ટ પર કોઈ પેસેન્જરને મેજર હાર્ટ-એટેક આવે તો તત્કાલ મદદ મળે તે માટે ઓટોમેટેડ એક્સ્ટર્નલ ડિફાબ્રિલેટર (એઇડી) ડિવાઇસ મુકાયા છે.
બેટરી ઓપરેટેડ આ ડિવાઇસની મદદથી હાર્ટ-એટેકના દર્દીને ઇમરજન્સીમાં ઇલેક્ટ્રિક શોક અપાય છે જેથી દર્દીના ધબકારા નોર્મલ થતાં તેનો જીવ બચાવી શકાય છે. દર્દીના ધબકારા નોર્મલ થયા બાદ તેને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડતાં પહેલાં આ સારવાર ખૂબ મદદરૂપ બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter