અમદાવાદઃ કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદ સહિત દેશના મોટાભાગના એરપોર્ટમાં છેલ્લા ૩ સપ્તાહથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. જોકે, છેલ્લા ત્રણ સપ્તાહથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી જ દરરોજની ૫૦ ટકાથી વધુ ફ્લાઇટ કેન્સલ થઇ રહી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી હાલમાં દરરોજની સરેરાશ ૯૦ ફ્લાઇટની અવર-જવર છે. જોકે, આ પૈકીની અડધોઅડધ ફ્લાઇટ હાલ કેન્સલ થાય છે. આ અંગે એરલાઇન્સ દ્વારા એવો દાવો કરાયો છે કે કોરોના અને લોકડાઉન બાદ લોકો હાલમાં ખૂબ જ જરૂરી હોય તો જ એક શહેરથી બીજા શહેરમાં ફ્લાઇટથી મુસાફરી કરે છે. અગાઉ બિઝનેસ કોન્ફરન્સને કારણે પણ ફ્લાઇટમાં વધારે સંખ્યામાં મુસાફરો જોવા મળતા, પરંતુ હવે મોટાભાગની કોન્ફરન્સ પણ વિવિધ મોબાઇલ એપ દ્વારા જ યોજાય છે. આ સિવાય કોઇ વ્યક્તિને કોઇ ખૂબ જ અંગત કામ હોય તો જ તે ફ્લાઇટમાં જવાનું પસંદ કરે છે અને પ્રવર્તમાન સ્થિતિમાં ટુરિઝમ સેક્ટર સાવ ઠપ્પ થઇ ગયું છે. આ પરિબળોને પગલે હાલ જે ફ્લાઇટ ઓપરેટ થાય છે તેમાં પણ કુલ ક્ષમતાના ૬૦ ટકાથી ૭૦ ટકા મુસાફરો માંડ હોય છે. જોકે આ બધા વચ્ચે એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ કેન્સલેશન અંગે મુસાફરોને આગોતરી જાણ પણ કરાતી નહીં હોવાની તેમજ રિફંડ આપવામાં પણ ઠાગાઠૈયા થતા હોવાની ફરિયાદો વધી રહી છે.