અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે છેલ્લા ૬ દિવસમાં બીજી વખત કન્વેયર બેલ્ટ બંધ થઇ જવાની ઘટના સામે આવી છે. ૭ ઓગસ્ટની સવારે ૪૦ મિનિટ માટે કન્વેયર બેલ્ટ બંધ થઇ જતાં ૮ ફ્લાઇટ મોડી પડી હતી અને મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
૭ ઓગસ્ટની સવારે ૭-૫૫થી ૮-૩૫ સુધી કન્વેયર બેલ્ટ બંધ થઇ ગયો હતો. જેના પગલે ગો એરની અમદાવાદ-બેંગાલુરુ ૩૦ મિનિટ, અમદાવાદ-ગોવા ૪૦ મિનિટ, વિસ્તારાની અમદાવાદ-દિલ્હી ૩૫ મિનિટ, ઈન્ડિગોની અમદાવાદ-દિલ્હી ૨૫ મિનિટ, ઈન્ડિગોની અમદાવાદ-લખનૌ ૨૦ મિનિટ માટે મોડી પડી હતી જ્યારે સ્પાઇસ જેટની અમદાવાદ-બેંગાલુરુ, ગો એરની અમદાવાદ-દિલ્હી અને અમદાવાદ-ચેન્નાઇ ફ્લાઇટ કેન્સલ રહી હતી.
છેલ્લા એક મહિનામાં અમદાવાદ એરપોર્ટ ખાતે કન્વેયર બેલ્ટ બંધ થવાની આ ચોથી ઘટના છે. આમ છતાં એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા તેના માટે કોઇ જ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી અને તેના લીધે મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. કન્વેયર બેલ્ટ બંધ થઇ જતાં મુસાફરોના લગેજ ક્લિયર થવામાં પણ ભારે વિલંબ થયો હતો અને એરપોર્ટમાં લાંબી લાઇન થઇ ગઇ હતી.