અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન મહાત્મા મંદિરથી શરૂ થશે, રૂટ પર ૧૫ સ્ટેશન હશે

Wednesday 03rd November 2021 10:58 EDT
 
 

અમદાવાદઃ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અમદાવાદ-દિલ્હી વચ્ચે ૮૮૬ કિલોમીટર લાંબા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવા માટે ડીપીઆર (ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડીપીઆરના ભાગરૂપે તાજેતરમાં NHSRCL દ્વારા ગાંધીનગરનાં ૧૬ જેટલાં ગામોમાં સર્વે હાથ ધરાયો હતો. આ રૂટ પર ગાંધીનગર મહાત્મા મંદિરને પણ આવરી લેવામાં આવશે. આ ટ્રેન સાબરમતીથી ખોડિયાર, મહાત્મા મંદિર, પેથાપુર હાઈવે થઈ અલુવા ગામ બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી પ્રાંતિજ થઈ હિંતનગરથી ડુંગરપુર તરફ આગળ વધશે.
NHSRCL દ્વારા ચાર રાજ્ય- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઈ દિલ્હી સુધી જનારા આ રૂટ પર ૧૫ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. મહત્તમ ૩૫૦ કિલોમીટર તેમજ એવરેજ ૨૫૦ કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેનનું સંચાલન થતાં અમદાવાદથી દિલ્હી વચ્ચેનું અંતર ૪ કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી દેવાશે.
NHSRCL દ્વારા અમદાવાદ - મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ - દિલ્હી રૂટ માટે થોડા સમય પહેલાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ ડીપીઆર સબ્મિટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ડીપીઆરને સરકારની મંજૂરી મળ્યા બાદ એનએચએસઆરસીએલ દ્વારા ૨૦૨૨માં જમીન સંપાદનની કામગીરી શરૂ કરવાની સાથે પ્રોજેક્ટ માટે કંસ્ટ્રક્શન કામગીરી શરૂ કરવામાં આવશે. આ રૂટ મોટા ભાગે રેલવેલાઈન અને નેશનલ હાઈવેની બાજુમાંથી પસાર થતો હોવાથી જમીન સંપાદનની કામગીરી ઝડપી પૂર્ણ થશે,
ગુજરાતમાં ૩, રાજસ્થાનમાં ૯ સ્ટેશન બનશે
અમદાવાદ - દિલ્હી બુલેટ ટ્રેન રૂટ પર ગુજરાતમાં ૩, રાજસ્થાનમાં ૯, હરિયાણામાં ૨ અને દિલ્હીમાં ૧ મળી કુલ ૧૫ સ્ટેશન બનશે, જેને કારણે આ રૂટનો સૌથી વધુ લાભ રાજસ્થાનને મળશે. આ રૂટ પર અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, હિંમતનગર, ડુંગરપુર, ઉદયપુર, શાહપુરા, ચિત્તોડગઢ, ભીલવાડા, વિજયનગર, અજમેર, જયપુર, બેહરોરા, રેવાડી, માનેસર અને દ્વારકા (દિલ્હી) ખાતે સ્ટેશન તૈયાર કરાશે.
દિલ્હીથી મુંબઈ ૬ થી ૭ કલાકમાં પહોંચાશે
હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ અમદાવાદથી મુંબઈ વચ્ચેનું ૫૦૮ કિલોમીટરનું અંતર ૩ કલાકમાં પૂર્ણ કરાશે. એ જ રીતે અમદાવાદથી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ૮૮૬ કિલોમીટરનું અંતર ૪ કલાકમાં પૂર્ણ થશે. આમ, દિલ્હીથી અમદાવાદ થઈ મુંબઈ સુધીની બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી થતાં દિલ્હી અને મુંબઈ વચ્ચેનું લગભગ ૧૩૯૪ કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેનથી ૬ થી ૭ કલાકમાં પૂર્ણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter