અમદાવાદઃ વિશ્વભરના કડવા પાટીદારોને એક મંચ પર લાવનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સુશિક્ષિત, સામર્થ્યવાન અને સંગઠિત સમાજના નિર્માણના સંકલ્પ સાથે શહેરમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક ૧૦૦ વીઘા જમીનમાં રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે ૫ વર્ષમાં પાટીદાર એમ્પાવરમેન્ટ હબ તૈયાર કરાશે. જેમાં મા ઉમિયાનું ૮૯ મીટર ઊંચુ ભવ્ય મંદિર તૈયાર કરવાની સાથે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજોપયોગી આત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવશે.
આધુનિક સુવિધાઓ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી. કે. પટેલે આ અંગે જણાવ્યું હતું કે, વૈષ્ણોદેવી પાસે જાસપુર લીલપુર માર્ગ પર સંસ્થા દ્વારા ૧૦૦ વીઘા જમીનમાં તૈયાર થનારું આ મંદિર વૈશ્વિક સ્તરના ટૂરિઝમ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે. મંદિરમાં પાટીદાર સમાજનો ઇતિહાસ પણ રજૂ કરવામાં આવશે. કેમ્પસમાં યુનિવર્સિટી, આરોગ્યધામ, હોસ્ટેલ સહિત અન્ય સુવિધા પણ ઉપલબ્ધ કરાશે.
વ્યુ ગેલેરી
• મંદિરની ઊંચાઇ ૮૦, લંબાઈ ૬૦ અને પહોળાઈ ૪૦ મીટર.
• શિખર પર ૭૦ મીટર ઊંચાઈએ વ્યૂ ગેલેરીમાંથી શહેરનો નજારોે.
• મંદિરમાં ડાબી બાજુ શિવજી અને જમણી બાજુ ગણેશ મંદિર
• માતાજીનું સ્થાન જમીનથી ૩૫ ફૂટ ઊંચાઈ પર હશે.
• મંદિરમાં પહોંચવા સીડી, એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા.
• મંદિરમાં ટ્રાવેલેટર મુકાશે, તેની સ્પીડ વધારી ઘટાડી શકાશે.
• ગ્રાઉન્ડ ફ્લોર પર સત્સંગ હોલ, કથા હોલ બનશે.
• પ્રથમ માળે પાટીદાર મ્યુઝિયમ કરાશે.
• બીજા માળે ભવ્ય મંદિરને આકાર અપાશે.
• ૩૦૦૦ કાર અને ૫૦૦૦ ટુ વ્હીલરની પાર્કિંગ વ્યવસ્થા.


