અમદાવાદઃ દેશભરમાં ચર્ચિત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસમાં અમદાવાદ નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના પાંચ અધિકારીઓ જોડાયા છે. સુશાંતનાં મોત પાછળ મુંબઇના જ નહીં ગુજરાત સાથે સંપર્ક ધરાવતા ડ્રગ્સ માફિયાઓના કનેક્શન બહાર આવ્યાં હોવાના અહેવાલ છે. એનસીબીના અધિકારીઓએ જણાવ્યું છે કે, એનડીપીએસની સેક્શન ૬૭ હેઠળ લેવાયેલા ફિલ્મી હસ્તીઓને તેમનાં નિવેદનો ભારે પડી શકે છે અર્થાત કેટલાકે જેલમાં પણ જવું પડી શકે છે. મુંબઇના ડ્રગ્સ માફિયાઓનાં સંપર્ક ગુજરાતના કેટલાક ડ્રગ્સ ડીલર હોવાની શક્યતાઓ વચ્ચે મુંબઇથી ગુજરાતમાં એમડી ડ્રગ્સ આવી રહ્યું હોવાથી તપાસ ચાલે છે. ગુજરાતમાંથી તાજેતરમાં એમડી ડ્રગ્સ પકડાયું છે.
સુરતમાંથી પણ રૂ. ૧.૩૩ કરોડનું ડ્રગ્સ પકડાયું
સુરતને નશામુક્ત બનાવવાના હેતુ સાથેના અભિયાનમાં સુરત પોલીસની ક્રાઇમ બ્રાંચે ૨૩મી સપ્ટેમ્બરે એક જ દિવસમાં રૂ. ૧.૩૩ કરોડનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. જુદી જુદી ઘટનામાં એક જ દિવસમાં સલમાન ઉર્ફે અમન મોહમ્મદ, સંકેત અને વિનય નામના મોટા ડ્રગ્સ પેડલરોને પકડ્યા છે. જ્યારે આદિલ અને મુંબઇના રોહનને ભાગેડુ જાહેર કર્યાં છે. એમ.ડી ડ્રગ્સના તાર મુંબઇ સુધી પહોંચતા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત આ જ દિવસે ૫૬૪ કિલોગ્રામ ગાંજા (કિંમત રૂ. ૫૬.૪૫ લાખ)નો ટેમ્પો ચોરખાનામાંથી ડીસીબીની ટીમે શોધી કાઢ્યો હતો. જેમાં ૩ ઓરિસ્સાવાસીઓને પકડાયા છે. આ ઉપરાંત દિલીપ ગૌડ વોન્ટેડ છે. સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે, નાકોટિસ્ક બ્યુરો સાથે આ કેસની તપાસ કરીશું.
NIRનો દીકરો બે લાખના ડ્રગ્સ સાથે પકડાયો
NRIકિશોર પટેલનો પુત્ર વિનય ઉર્ફે બંટી કારમાં રૂ. ૧.૭૫ લાખનું ૧૭.૫ ગ્રામ એમડી ડ્રગ્સ સપ્લાય કરવા જતા પકડાયો હતો. વિનય કારમાં મુંબઇ બોરાવલી ગયો હતો અને ડ્રગ પેડલર રોહને મોબાઇલ લોકેશન આપી ડ્રગ્સ સપ્લાય કરી હતી. છેલ્લા ૩ વર્ષથી વિનય ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. માતા-પિતા અમેરિકામાં સ્થાયી છે. વિનય મુંબઇમાં ફરવા ગયો ત્યારે રોહન સાથે કોન્ટેક્ટ થયો હતો તેવા અહેવાલો છે.