અમદાવાદઃ અમદાવાદ શહેરના લોકોમાં કોરોના અંગેની ઇમ્યુનિટીનું પ્રમાણ જાણવા હાથ ધરવામાં આવેલા સીરો સર્વે સ્ટડીનો એક વિશિષ્ટ અહેવાલ વિશ્વના ખ્યાતનામ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પાંચમી જાન્યુઆરીના અંકમાં પ્રકાશિત કરાયો છે. આ બ્રિટિશ મેડિકલ જર્નલ (બીએમજે) વિશ્વના સૌથી જૂના તબીબ મેડિકલ જર્નલમાંનું એક છે અને તે વર્ષ ૧૮૪૦થી કાર્યરત છે. આ જર્નલમાં પબ્લિક હેલ્થ મેડિકલ રિસર્ચ અને ક્લિનિકલ મેડિસિનમાં થયેલા શ્રેષ્ઠ સંશોધનોને લગતી કામગીરી સંદર્ભના લેખ પ્રકાશિત કરવામાં આવે છે. આ જર્નલમાં સંશોધન લેખનો મુખ્ય વિષય નિષ્ણાત દ્વારા સાયન્ટિફિક રિવ્યૂ અને યોગ્ય એનાલિસિસ બાદ જ પ્રકાશિત કરવાની પરવાનગી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા રજૂ કરાયેલા સ્ટડીમાં ૧૬ જૂનથી ૧૧મી જુલાઈ દરમિયાન અંદાજિત ૩૦ હજાર જેટલા લોકોનાં સેમ્પલ લઈને તેઓમાં એન્ટિબોડીનું પ્રમાણ ચેક કરવાની કામગીરી કરાઈ હતી. જેમાં પોઝિટિવિટી ૧૭.૬૧ ટકા તથા તમામ વય જૂથો માટે ૧૫થી ૨૦ ટકાની વચ્ચે સીરો પોઝિટિવિટી મળી હતી.

