ગાંધીનગરઃ નર્મદા ઉપરનો કોંક્રિટ ગ્રેવિટી ડેમ ૧,૨૧૦ મીટર એટલે કે ૩,૯૭૦ ફૂટ લાંબો છે. સૌથી ઊંડા પાયાના સ્તરથી તેની મહત્તમ ઊંચાઈ ૧૬૩ મીટરની છે. ૬૮.૨૦ લાખ ઘન મીટર ક્રોંક્રિટિંગ ધરાવતો આ ડેમ વિશ્વનો સૌથી મોટો બીજા ક્રમાંકનો ક્રોંકિટ ગ્રેવેટી ડેમ છે.
૮૦ લાખ ઘન મિટરના ક્રોંક્રિટિંગ સાથે અમેરિકાનો ગ્રાન્ડ કુલે ડેમ પ્રથમ આવે છે. નર્મદા ડેમમાં વપરાયેલા કોંક્રિટના જથ્થાથી અમદાવાદથી બેંગ્લૂરુ સુધી એટલે કે ૨૦૦૦ કિલોમીટર લંબાઈના ૧૫ મીટર પહોળા અને ૨૩ સે.મી.ની જાડાઈ ધરાવતો ફોર લેન માર્ગ બનાવવા પૂરતો છે. ભારતની સૌથી મોટી નદીઓમાં પાંચમા ક્રમની મહાનદી નર્મદા ઉપર ૪૫૫ ફુટનો બંધ બાંધવો એ કોઈ નાનીસુની વાત નહોતી. સ્વતંત્રતા પછી લોકતંત્રમાં ઉભરી રહેલા ભારતમાં આગાઉ ક્યારેય આટલી વિશાળ યોજનાનું અમલીકરણ થયું નહોતું. આથી અનુભવનો પણ આધાર ન હતો. આમ છતાંયે ઈજનેરોએ આયોજન, સંરચના અને અમલીકરણ એ ત્રણેય ક્ષેત્રોમાં નવી પદ્ધતિઓ અપનાવીને નવા ધોરણો પ્રસ્થાપિત કર્યા છે.
ડેમની છલતી એટલે કે દરવાજા ખોલ્યા પછી થતા ઢળાવ ઉપરની વહનક્ષમતા પ્રતિ સેકન્ડ ૮૭,૦૦૦ ઘન મીટરની છે, જે વિશ્વમાં ત્રીજા ક્રમની ડિસ્ચાર્જ કેપેસિટી છે. નર્મદા ડેમ તેની સંપૂર્ણ ઉંચાઈએ ભરાતા ૭,૫૦૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા કચ્છના મોટા રણમાં અઢી ફુટ જેટલું પાણી ભરાય તેટલા પાણીનો સંગ્રહ થઈ શકશે.

