અમદાવાદઃ અમદાવાદ શહેરમાં જુલાઈ ૨૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટ પ્રકરણના દસ આરોપીઓને કેરલના વાઘામોન જગલમાં આંતકવાદી ટ્રેનિંગ લેવાના મામલે એર્નાકુમલની સ્પેશયલ કોર્ટે ૧૫મી મેએ ગુનેગાર ઠરાવીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. બ્લાસ્ટના આરોપીઓને સાબરમતી જેલમાં ૧૫મીએ બપોર બાદ ખબર પડી હોવાના અહેવાલ અપાયા હતા. જયારે બાકીના આરોપીઓને આંતકવાદી તાલીમ લેવાના મામલે છોડી મૂકયા હતા. જોકે, આરોપીઓ સામે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ કેસ ચાલતા હોવાથી તેઓ જેલબહાર લઈ જવાશે નહીં. સજા પામેલા આરોપીઓમાં સફદર નાગોરી, અમીલ પરવેઝ, ડો, મિર્ઝા અહેમદ બેગ, મઝુર અહેમદ, શકીલ અહેમદ, કયુમુદ્દીન નાગોરી, મોહમદ અન્સાર સહિતનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ૨૬મી જુલાઈ, ૨૦૦૮ના રોજ ૨૦ જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ કરીને ૫૬ લોકોના મોત નિપજાવીને ૨૪૦ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત સુરતમાં ૧૫ જગ્યાએ બ્લાસ્ટ કરવા માટે બોમ્બ મુકાયા હતા. જોકે, સુરતમાં બોમ્બ નિષ્ફળ બનાવી દીધા હતા. આ કેસમાં ૭૪થી વધુ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મુકાયો હતો. જેમાં હાલમાં ૪૫ આરોપીઓ સાબરમતી જેલમાં છે. જયારે ૩૦ જેટલા આરોપીઓ જુદા-જુદા ગુનામાં અન્ય રાજયોની જેલમાં છે. તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, કેરલના વાઘામોન અને હાલોલના જંગલમાં ડિસેમ્બર ૨૦૦૭માં આંતકી તાલીમ લીધી હતી. આરોપીઓ ટ્રેનિંગ લીધા બાદ ગુજરાત, મધ્ય પ્રદેશ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આતંક ફેલાવવાના હતો.

