અમદાવાદ: અમદાવાદ શહેરમાં ૨૦૦૮માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસના મહત્ત્વના આરોપીઓ પૈકીનો એક વોન્ટેડ આરોપી તૌસીફખાન પઠાણ છેલ્લા નવ વર્ષથી બિહારના ગયાથી નામ બદલી ટ્યૂશન શિક્ષકના વેશમાં રહેતો હતો પરંતુ થોડા સમય પહેલા ટ્યૂશને આવતા બે વિદ્યાર્થીઓને ખૂબ જ માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જોકે તૌસીફની વર્તણૂક શંકાસ્પદ જણાતા ત્યાર બાદ પોલીસે તેની વોચ ગોઠવી હતી જેમાં આખરે તે ઝડપાઈ ગયો હતો. અમદાવાદના જુહાપુરામાં યુનાઇટેડ ફ્લેટમાં રહેતો તૌસીફખાન પઠાણ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ નાસી છૂટ્યો હતો અને બિહારના ગયા ખાતે ભગતસિંહ ચોકમાં નામ બદલી રહેતો હતો અને પોતે એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ ધરાવતો હોઈ સ્થાનિક વિસ્તારમાં ટ્યૂશન ક્લાસીસ ચલાવતો હતો.

