મુંબઈ: અમદાવાદ - મુંબઇ વચ્ચે રૂ. એક લાખ દસ હજાર કરોડના ખર્ચે તૈયાર થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે અને બુલેટ ટ્રેન કેવી હશે? તેની વિશેષતાઓ શું હશે? તે અંગે લોકો સતત પૂછપરછ કરી રહ્યા છે. દરમિયાન નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને બુલેટ ટ્રેનના ફ્યૂચર્સ (વિશેષતાઓ) અંગે માહિતી આપી હતી કે અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન રોજના (૨૪ કલાકમાં) ૭૦ ફેરા લગાવશે. જે પૈકી અમદાવાદથી મુંબઇ વચ્ચે ૩૫ અને મુંબઇથી અમદાવાદ વચ્ચે ૩૫ ફેરા લગાવશે.
પીક અવર્સમાં (જે કલાકોમાં સૌથી વધુ ભીડ હોય) એટલે કે સવારે ૭થી ૧૦ અને સાંજે ૫થી ૯ દરમિયાન દર કલાકે બન્ને દિશાઓમાં ટ્રેન ૩ ફેરા લગાવશે જ્યારે બાકીના કલાકોમાં દર કલાકે બે ફેરા મારશે. બુલેટ ટ્રેનમાં ૯ ઇકોનોમી અને એક બિઝનેસ ક્લાસ મળીને કુલ ૧૦ કમ્પાર્ટમેન્ટ હશે. ટ્રેનમાં કુલ મળીને ૭ ટોઇલેટ હશે જેમાં મહિલાઓ અને વિકલાંગો માટે ટોઇલેટની વ્યવસ્થા અલગથી હશે સાથે સાથે ટ્રેનમાં એક રેસ્ટ રૂમ પણ હશે. આ રેસ્ટરૂમનો ઉપયોગ બીમાર મુસાફર અથવા તો બાળકના સ્તનપાન માટે માતા ઉપયોગ કરી શક્શે. ટ્રેન અમદાવાદ અને મુંબઇ વચ્ચે ૧૨ સ્ટેશનો પર રોકાશે જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણા અને બીકેસીનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેનમાં પ્રવાસીઓને ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં સૂચના અપાશે.
ટ્રેનના કુલ ૨૪ રેક (કમ્પાર્ટમેન્ટ) ખરીદવામાં આવશે. જે પૈકી ૨૦ કમ્પાર્ટમેન્ટનો ઉપયોગ થશે જ્યારે ૪ કમ્પાર્ટમેન્ટ સ્પેરમાં રાખવામાં આવશે. મુસાફરોને ટ્રેનમાં મુસાફરી દરમિયાન ડિસપ્લે બોર્ડ પર અને એનાઉન્સમેન્ટ દ્વારા અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી એમ ૪ ભાષાઓમાં સૂચના આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન કોરિડોરની કુલ લંબાઇ ૫૦૬ કિ.મી. છે. ટ્રેનની મહતમ સ્પીડ કલાકની ૩૫૦ કિ.મી. હશે પરંતુ સામાન્ય રીતે ટ્રેન કલાકના ૩૨૦ કિ.મી.ની સ્પીડથી જ દોડશે.


