અમદાવાદથી લંડનની એર ઇન્ડિયાની ફ્લાઇટ ૩જી માર્ચે લગભગ ૧૨ કલાક મોડી ઉપડી હતી. ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ અમદાવાદથી મુંબઈને બદલે અમદાવાદથી વાયા દિલ્હી, લંડન કરાઈ હતી. સવારે ૬.૧૫ ઉપડતી ફ્લાઇટ પહેલાં રદ કરાતા લંડન જતાં ૧૪૦ પેસેન્જરને અલગ અલગ હોટેલમાં ઉતારવામાં આવ્યા હતા. ખામી દૂર થતાં ફ્લાઇટ સાંજે ૬.૩૦ વાગ્યે દિલ્હી રવાના થઈ હતી. જોકે એર ઇન્ડિયાએ આ જ ફ્લાઇટમાં મુંબઈથી લંડન માટે બુકિંગ કરાવનારા પેસેન્જર્સને બીજી ફ્લાઇટમાં લંડન મોકલી દીધા હતા, પણ અમદાવાદથી ડાયરેક્ટર લંડન જનારા પેસેન્જર્સ અટવાઈ પડ્યા હતા. એર ઇન્ડિયાના આવા મેનેજમેન્ટ સામે કેટલાક પેસેન્જર્સે રોષ ઠાલવ્યો હતો. એર ઇન્ડિયાએ ડિસેમ્બર ૨૦૧૫થી અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ શરૂ કરી હતી. જોકે વિલંબ આ ફ્લાઇટ માટે લગભગ રૂટિન બની ગયો છે. અગાઉ અનેક વખત ક્રૂ મેમ્બર્સની તૂટ તેમ જ ક્રૂના ફ્લાઇંગ અવર્સ પૂરા થઈ જવાને કારણે તે મોડી પડી હતી.
ત્રીજી માર્ચે સવારે ફ્લાઇટમાં સર્જાયેલી ખામી દૂર કરવા લગભગ ત્રણ કલાક મથામણ ચાલી હતી, પણ કોઈ પરિણામ ન આવતા અંતે તે રદ કરાઈ હતી. જોકે, સાંજ સુધી પેસેન્જર્સ અટવાયા હતા. પેસેન્જર્સ લગભગ ત્રણ કલાક સુધી તો એરપોર્ટ પર જ બેસી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાના અધિકારીઓને અનેકવાર સવાલ કરવામાં આવ્યા હોવા છતાં સરખો જવાબ આપ્યો નહોતો. ટેકનિકલ ખામી દૂર કરવા માટે ત્રણ કલાકની મથામણ કરાઈ હતી, પણ અંતે તે દૂર ન થતાં પેસેન્જર્સને જાણ કરાઈ હતી કે હાલ ફ્લાઇટ રદ થઈ છે.
એક પેસેન્જરે પોતાનું નામ નહીં જણાવવાની શરતે કહ્યું હતું કે, ફ્લાઇટના ઉપડવાના ત્રણ કલાક પહેલાં અમે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ટેકનિકલ ખામી અંગે એર ઇન્ડિયાના અધિકારીઓને જાણ જ હતી, છતાં અમને કોઈ માહિતી અપાઈ ન હતી. એરપોર્ટ ઓથોરિટીના આ પ્રકારના વલણથી અમારે લગેજ લઈને રઝળવાનો વારો આવ્યો હતો. એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટ શરૂ થઈ ત્યારથી જ કોઈને કોઈ કારણસર ફ્લાઈટ કલાકો મોડી પડતી હોય છે. હજુ સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.


