નવી દિલ્હીઃ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે હંગેરીના આકાશમાં કોન્ટેક્ટ ગુમાવી દેતાં તેને ફાઈટર જેટની મદદથી એસ્કોર્ટ કરાઈ હતી. આ ફ્લાઈટમાં ૧૮ ક્રૂ સભ્યો અને ૨૩૧ મુસાફરો જઈ રહ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, ફ્રિકવન્સી ફ્લક્યુએશનના કારણે ફ્લાઈટે એટીસી સાથેનો કોન્ટેક્ટ ગુમાવી દીધો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એર પોર્ટ પરથી દસમીએ સવારે સાત વાગ્યે ઉપડેલા આ વિમાનનું અંતે લંડનમાં સ્થાનિક ૧૧.૦૫ સમય પ્રમાણે હીથ્રો એરપોર્ટ પર સલામત ઉતરાણ થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હંગેરીના આકાશમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ લગભગ એક કલાક સુધી કોન્ટેક્ટ વિહોણી બની ગઈ હતી.


