અમદાવાદઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના પ્રવાસ દરમિયાન વેમ્બલીમાં વસતા ગુજરાતીઓની વર્ષો જૂની માગણીઓને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાની અમદાવાદ-મુંબઇ-લંડનની ફલાઇટ સાત વર્ષ બાદ પુનઃ શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે મહત્ત્વની બાબત એ છે કે અમદાવાદ-લંડન માટે પ્રવાસીઓને બ્રાન્ડ ન્યુ એરક્રાફ્ટ ડ્રીમ લાઇનરમાં મુસાફરી કરવાની તક મળશે.
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ તાજેતરમાં આ અંગે આપેલી માહિતિ મુજ, અમદાવાદ એરપોર્ટ પરથી આગામી ૧૫મી ડિસેમ્બરથી ફલાઇટનું પ્રથમ ટેક ઓફ થશે અને ફ્લાઈટની મુસાફરી દરમિયાન મુંબઇ એરપોર્ટ પર પ્રવાસીઓએ ઉતરવું પડશે નહીં. પ્રવાસીઓને સવા કલાક ફલાઇટમાં જ બેસી રહેવાનું રહેશે. આ ડ્રીમ લાઇનર મુસાફરોને સાડા દસ કલાકમાં લંડન પહોંચાડી દેશે. પ્રવાસીઓનું કસ્ટમ અને ઇમિગ્રેશન ક્લિયરન્સ અમદાવાદથી જ થઇ જશે. એર ઇન્ડિયાએ આ અંગે પહેલ કરતાં હાલમાં બુકિંગ માટે સિસ્ટમ પર ફલાઇટ મૂકી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-લંડનની ફલાઇટ એર ઇન્ડિયા ઓપરેટ કરતી હતી, પરંતુ થોડા દિવસ ઓપરેટ કર્યા બાદ એર ઇન્ડિયા મેનેજમેન્ટે આ ફલાઇટ વર્ષ ૨૦૦૮માં સંપૂર્ણ બંધ કરી દીધી હતી. જેના કારણે વર્ષોથી લંડનમાં વસતા ગુજરાતી સમાજે ફલાઇટ પુનઃ શરૂ કરવા ઇન્ડિયન એમ્બેસીને વારંવાર રજૂઆત કરી હતી. અમદાવાદ-લંડનની ફલાઇટ બંધ કરી દેવાતા તેમને વાયા મંબઇ કે દિલ્હી થઇને અમદાવાદ આવવું પડતું હતું. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાનને રજૂઆત કર્યા બાદ પણ ફલાઇટ હજુ સુધી શરૂ કરાઇ ન હતી. હાલમાં અમદાવાદથી લંડન માટે સીધી એક પણ ફલાઇટ ઓપરેટ થતી નથી. ફક્ત એમિરેટ્સ વાયા દુબઇ એતિહાદ વાયા અબુધાબી થઇને લંડનનું કનેક્શન આપે છે.
એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ડ્રીમ લાઇનર હોવાથી પ્રવાસીઓને મુંબઇ એરપોર્ટ પર ફલાઇટ બદલવી પડશે નહીં, ખાસ કરીને સિનિયર સટિઝન પ્રવાસીઓને રાહત એટલા માટે થશે કે એર ઇન્ડિયાના ક્રુ ગુજરાતી અને હિન્દી પણ વાતચીત કરી શકશે. અન્ય ખાનગી કંપનીઓની ફલાઇટના ક્રુ ફ્ક્ત અંગ્રેજી ભાષા જાણતા હોય છે. જેના કારણે ગુજરાતીઓને તકલીફ પડતી હોય છે.
અન્ય ખાનગી કંપનીઓની સરખામણીમાં ડ્રીમ લાઇનરમાં ભાડા પણ ઓછા હશે. એટલું જ નહીં એમિરેટસ વાયા દુબઇ અને એતિહાદ વાયા અબુધાબી થઇને લંડનની સેવા આપતી હોવાથી એરપોર્ટ પર પ્રવાસીઓને બેથી ત્રણ કલાક રોકાણ કરવું પડે છે જે ડ્રીમ લાઇનરમાં પ્રવાસીઓને ફક્ત મુંબઇ એરપોર્ટ પર ફલાઇટમાં ફક્ત ૪૫ મિનિટથી ૧ કલાક બેસી રહેવું પડશે. આમ અન્ય ખાનગી એરલાઇન કંપનીઓની સરખામણીમાં ડ્રીમ લાઇનર ૧૦:૩૦ કલાકમાં એટલે કે ઓછા સમયમાં લંડન પહોંચાડી દેશે.
ડ્રીમ લાઇનરની સાથે સાથે...
• ૧૫ ડિસેમ્બરે પ્રથમ ટેકઓફ
• અમદાવાદથી સવારે ૪:૩૦ વાગે રવાના થશે
• મુંબઇ પ-૪પ પહોંચશે, ૭-૦પ વાગે રવાના થશે.
• લંડનના સમય મુજબ સવારે ૧૧:૩૦ વાગે પહોંચશે
• પ્રવાસીઓએ વિમાન બદલવાનું રહેશે નહીં
• કસ્ટમ અને ઇમિગ્રેશન ક્લિયરન્સ અમદાવાદથી થઇ જશે
• લંડનથી બપોરે ૧:૩૦ વાગે રવાના થઈ મુંબઈ રાત્રે ૪ વાગે
• મુંબઈથી સવારે પ-૩૦ વાગે રવાના થશે અમદાવાદ ૬-૪૫ પહોંચશે
• ૧૦:૩૦ કલાકનો પ્રવાસ
• ૧૮ એક્ઝિક્યુટિવ ક્લાસ
• ૨૩૮ ઇકોનોમી ક્લાસ
• કુલ ૨૫૬ પ્રવાસીઓની ક્ષમતા