અહમદશાહ બાદશાહે ઇ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના કરી એ પછી અમદાવાદના વિકાસની ગતિ આગળ વધવા લાગી હતી. સમયની સાથે અમદાવાદમાં વેપાર, વાણિજ્ય અને રહેઠાણો વિકસતા ગયા એક તબક્કો એવો આવ્યો કે અમદાવાદ દિલ્હી અને આગ્રા શહેરની હરોળમાં આવતું હતું. આથી જ તો ઇતિહાસકારો અમદાવાદના શરૂઆતના વિકાસને દિલ્હી અને આગ્રા સાથે સરખાવે છે. દિલ્હી અને આગ્રા જેમ યમુના કાંઠે છે તેમ અમદાવાદ સાબરમતી નદીને કાંઠે વસ્યું છે. આ શહેરોમાં કોટ વિસ્તાર, રહેઠાણોનું બાંધકામ, બજાર શૈલી પણ એકબીજાને મળતી આવે છે. એ મુજબ અમદાવાદની ડિઝાઇન અને લેઆઉટ ભારતના ઇસ્લામિક શૈલીથી બંધાયેલા શહેરોને મળતાં આવે છે.
જેમકે સાબરમતી નદીના પૂર્વમાં રાજગઢ ભદ્ર જામા મસ્જિદ આવેલી છે. માણેકચોક મોટા માર્કેટ તરીકે ઉપસી આવ્યું હતું. જ્યારે ભદ્રની આસપાસના વિસ્તારમાં વેપારી, કારીગરો અને કલાકારોના રહેઠાણ આવેલાં હતાં. ભદ્રની આસપાસ વેપાર, વણજ અને ઉત્પાદનના મોટાં કેન્દ્રો આવેલાં હતાં. પરંતુ વસ્તીની ગીચતાને કારણે ધનિકોએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસવાટ કરવાની શરૂઆત કરી હતી. તે સમયે રહેઠાણના વિસ્તાર તરીકે કાલુપુર, તાજપુર, અકબરપુર, જમાલપુર, દરિયાપુર, મિરઝાપુર વગેરેનો સમાવેશ થતો હતો. માણેક ચોક અને ત્રણ દરવાજા વ્યાપારનું હબ હોવાથી અહીં મોટે ભાગે વેપારીઓ વસવાટ કરતા હતા.
જ્વેલર્સ માટે ઝવેરીવાડ, પેપર માર્કેટ માટે કાગડાપીઠ, અનાજ માર્કેટ માટે દાણાપીઠ જાણીતા હતા. ભદ્ર કિલ્લાની નજીક અન્ય બે માર્કેટ જોવા મળતાં હતાં જેમાં હથિયાર ઉત્પાદન અને વેચાણ તથા લોખંડ માર્કેટ આવેલાં હતાં. ઢાલગરવાડ અને સાલાપીઠ હથિયાર ઉત્પાદન કરતું મોટું માર્કેટ હતું. આ બન્ને માર્કેટ રાજ્યની સૈન્યને હથિયાર પૂરા પાડવાનું કામ કરતાં હતાં. ભદ્રએ રાજકીય અને વહીવટી ક્ષેત્ર ગણાતો હતો જ્યારે જામા મસ્જિદ, માણેક ચોક વ્યાપારી વિસ્તાર તરીકે ઓળખાતા હતા. શરૂઆતમાં અમદાવાદ શહેર લંબ ચોરસ આકારનું હતું, પણ જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ શહેરનો આકાર અર્ધ ગોળાકાર જેને સ્થાનિક ભાષામાં ધનુષ્યકોડી અથવા ધનુષ્ય વક્ર કહેવાય તેવો થતો ગયો છે.


