અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસઃ ફાંસીની સજા માટે કોર્ટે આ મુદ્દા ધ્યાને લીધા

Wednesday 23rd February 2022 06:38 EST
 
 

અમદાવાદઃ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજા ફરમાવતી વેળા આ મુદ્દા ધ્યાને લીધા હતા. દોષિતોને સજા જાહેર કરતા પહેલા કોર્ટે ગુનાની ગંભીરતા તથા ગુનાની પ્રકૃતિ, તીવ્રતા, સમાજમાં પડેલી અસર, ભોગ બનનારની સ્થિતિ, વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠા, આરોપીઓની ઉંમર તથા ચરિત્ર, તેમની સુધરવાની આશા-પુનર્વસન, ક્ષણિક આવેશમાં ગુનો કરેલો છે કે કેમ? ગુના કરવા માટેના સમયનું આયોજન, આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત વિચાર કરેલો છે. જેમાં કોર્ટે નોંધ્યું છે કે ગુનાની પ્રકૃતિ સામુહિક હત્યાઓ કહી શકાય. ગુનાનો હેતુ એ હતો કે ગોધરાકાંડનો બદલો લેવો, રાજ્યમાં રહેલી નરેન્દ્ર મોદી સરકારને હટાવવી અને લોકોમાં સરકાર વિરુદ્ધ નારાજગી પેદા કરવી, હિન્દુ વિસ્તારમાં વધુને વધુ વિસ્ફોટ કરવા, મુસ્લિમ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરાયા નથી. આરોપીઓમાં પસ્તાવાની કોઈ ભાવના નથી અને ભવિષ્યમાં તેઓ સુધરશે નહીં. તેમણે પુખ્ત વિચારણા અને આયોજનબદ્ધ રીતે કાવતરુ રચેલુ, સમજી વિચારીને સાંજના સમયે વિસ્ફોટ કરાયેલા. આ ઉપરાંત, વિસ્ફોટ બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, કેબિનેટ મંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ હોસ્પિટલ પર આવે એટલે તેમની હત્યા કરવા માટે હોસ્પિટલમાં પણ બોમ્બ રાખીને વિસ્ફોટ કર્યા.

સજા છતાં ચહેરા પર પસ્તાવાનો ભાવ નહીં
સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિત ઠરેલા ૪૯ આરોપીઓને સજા સંભળાવાની હોવાથી સવારથી જ સેશન્સ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કેસના વકીલો સિવાય અન્ય વકીલો કે પક્ષકારોને કોર્ટ સંકુલમાં જવા દેવાયા નહોતાં. કોર્ટે આરોપીઓને ફાંસી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા સંભળાવી ત્યારે કોઇ આરોપીના ચહેરા પર દુ:ખની કોઇ લાગણી કે નિરાશા જણાતી નહોતી. ઊલટાનું તેમના ચહેરા પર હળવું હાસ્ય ફરકતું હતું. બરાબર ૧૧.૪૫ વાગે કોર્ટની સજા સંભળાવાની કાર્યવાહી પૂરી થઇ હતી. કોર્ટે ૩૨ મિનિટમાં જ સજા સંભળાવાની કાર્યવાહી પૂરી કરી નાખી હતી.
આઝમગઢમાં સન્નાટો, અહીંના ૬ દોષિતોને ફાંસી
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા મેળવનાર ૩૮ દોષિતોમાંથી ૬ ઉત્તર પ્રદેશના આઝમગઢના સંજરપુર કસ્બાના છે. આઝમગઢમાંથી અગાઉ પણ આતંકવાદી હુમલાના આરોપીઓ પકડાયા હોવાથી ફરી એક વાર અહીંના વતની બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા મેળવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાયો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન અગાઉ સજાના એલાનને પગલે રાજકારણ ગરમાયું છે.
‘અમે અલ્લાહના ન્યાયમાં માનીએ છીએ...’
સિરિયલ બ્લાસ્ટના દોષિત આરોપીઓએ કોર્ટમાં કહ્યું કે, અમે તમારો ન્યાય માનતા નથી. અલ્લાતાલાનો ન્યાય ચાલે છે અને ચાલતો રહેશે. જજ અને તપાસ અધિકારીઓ બે મહિનામાં ખલાસ થઇ જશે. આરોપી આમીલે કહ્યું કે, મારે રહેમની ભીખ માગવી નથી, હું અફસોસ કરતો નથી. તમારે જે સજા કરવી હોય તે કરો. કમરૂદ્દીન નાગોરીએ કહ્યું કે, જજસાહેબ અને સરકારી વકીલો ઇસ્લામ કબૂલ કરો. મર્યા પછી જિંદગી સારી રહે છે. આરોપી હાફીઝ હુસૈને કોર્ટ-સરકારી વકીલને ઇસ્લામમાં માનવા જણાવ્યું હતું. આરોપી મુફતી અબુબશરે કહ્યું કે, કોર્ટ કામમાં માનતો નથી. કેટલાંક આરોપીએ કહ્યું કે, જેલમાં રહીને ભણ્યા છીએ. ઉચ્ચ ડિગ્રી ધરાવીએ છીએ આથી છોડવામાં આવે.
કોર્ટે ‘જેહાદ’નો અર્થ સમજાવ્યો
જેહાદ ઘણો પવિત્ર શબ્દ છે પરંતુ ભારતના કાયદાવિરુદ્ધ તેમજ રાષ્ટ્રવિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ કરનાર મુસ્લિમ આતંકવાદી સંગઠનો દ્વારા જેહાદ શબ્દનો દુરુઉપયોગ કર્યો છે. ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર આતંકવાદી સંગઠનો નિર્દોષ મુસ્લિમ યુવાનોનાં મગજ પર જેહાદના નામે કબજો કરીને દેશ વિરુદ્ધ અને સમાજને વેરવિખેર કરે તેવી પ્રવૃતિઓ કરે છે અને કરતા આવ્યા છે. પવિત્ર કુર્રાનમાં વિશ્વાસ રાખનાર સાચી મુસ્લિમ સંસ્થાઓએ જેહાદ શબ્દનો સાચો પ્રચાર કરી તેનો દુરુઉપયોગ અટકાવવો જોઇએ. તેમણે આતંકવાદી સંગઠનોનો બહિષ્કાર કરવો જોઇએ. કોર્ટે જેહાદ અને આતંકવાદ વચ્ચેના તફાવતની ચર્ચા કરી આરોપીઓએ જેહાદના નામે સમાજમાં શાંતિ ડહોળીને ડરનો માહોલ ઉભો કર્યો છે તેથી તેમને સમાજમાં રાખવા યોગ્ય નથી. કોર્ટે જેહાદ શબ્દ માટે કુર્રાનની આયાતોનો આધાર લીધો છે.
બ્લાસ્ટ પછી ગાયબ પિતાનો કોઇ પત્તો નથી
માણસા તાલુકાના ખરણા ગામના પુરૂષોત્તમ પરમારનો આજ દિન સુધી પત્તો મળ્યો નથી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર થયેલા બ્લાસ્ટ સમયે દીકરાની ખબર પૂછવા ગયેલા પુરૂષોત્તમ પરમારનો મૃતદેહ નહીં મળતાં પરિવાર વળતરથી પણ વંચિત રહ્યો છે. ખરણાના પુરૂષોત્તમભાઈ પરમાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. ૨૦૦૮માં ૪ સંતાનો પૈકી જે-તે સમયે ત્રણ માસના ભાવિકને કમળો થતાં અમદાવાદ સિવિલમાં દાખલ કર્યો હતો. ભાવિક સાથે માતા મીનાબેન રહેતાં હતાં. પિતા પુરૂષોત્તમભાઇ ૨૬ જુલાઈ ૨૦૦૮ના દિવસે પુત્રની ખબર પૂછવા સિવિલમાં ગયા તે સમયે જ ટ્રોમા સેન્ટરની બહાર બ્લાસ્ટ થયો હતો. તે દિવસથી તેઓ ગુમ છે.
પરિવારે માણસા પોલીસ સ્ટેશનમાં જે-તે સમયે જાણવા જોગ નોંધાવી હતી. ૬ માસ સુધી પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી. પરંતુ, કોઈ કડી અથવા મૃતદેહ નહીં મળતાં પરિવાર બ્લાસ્ટમાં મૃતકોને ચુકવેલા વળતરથી પણ વંચિત રહ્યો છે. આમ હજુ પણ એક વ્યક્તિ પૂરેપૂરા ન્યાયથી વંચિત રહી છે.
રાજીવ હત્યા કેસમાં સાત વર્ષે ચુકાદો, ૨૬ને ફાંસી
૨૧ મે ૧૯૯૧ના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની ચેન્નઈ નજીક શ્રી પેરામ્બદુર ખાતે એક મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરાઈ હતી. આ કેસમાં કુલ ૨૬ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. તે સમયે દેશમાં આટલી મોટી સંખ્યામાં એક સાથે ફાંસીની સજા થઈ હોય તેવો પ્રથમ કિસ્સો હતો. ત્યારપછી અમદાવાદની કોર્ટ દ્વારા બોમ્બ વિસ્ફોટ કેસમાં એક સાથે ૩૮ લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. રાજીવ હત્યા કેસમાં ૧૦,૦૦૦થી વધુ પેજના ૧૪૭૭ દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરાયા હતા. ૧૦૦૦થી વધુ સાક્ષીઓએ લેખિતમાં અને લગભગ ૩૦૦ જેટલાએ પ્રત્યક્ષ જુબાની આપી હતી. આ કેસમાં મહિલા દોષિત નલિનીને પણ ફાંસીની સજા થઈ હતી પરંતુ વર્ષ ૨૦૦૦માં મહિલા આયોગના હસ્તક્ષેપ બાદ તેને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. રાજીવ હત્યા કેસનો ચુકાદો માત્ર સાત વર્ષમાં જ આવી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter