અમદાવાદઃ ૨૬મી જુલાઈ ૨૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપી રફુઉદ્દીન કાપડિયાએ કરેલી જામીન અરજીમાં સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર, ૨૦૧૯ સુધી કેસ પૂરો કરવા માટે નિર્દેશો આપ્યા છે. જેના પગલે ૧૨૩૭ સાક્ષીઓને પડતા મૂકવાનું નક્કી કર્યું છે. સાબરમતી જેલમાં વીડિયો કોન્ફરન્સથી ચાલી રહેલા આ કેસમાં અત્યારે ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા મયૂર ચાવડાની જુબાની સ્પેશ્યલ જજ એ. આર. પટેલની કોર્ટમાં ચાલે છે. આમ અત્યાર સુધીમાં કુલ ૧,૧૬૩ સાક્ષીઓની જુબાની તથા ઊલટ તપાસ હાથ ધરાઈ છે. બ્લાસ્ટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી ૮૪ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ૫૬ આરોપી હાલ સાબરમતી જેલમાં છે જ્યારે બાકીના આરોપીઓ દિલ્હી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની જેલમાં છે. સુપ્રીમ કોર્ટમાં રફુઉદ્દીન કાપડિયાએ કરેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન કેસમાં કેટલા સાક્ષીઓની જુબાની થઈ અને હાલ કયા તબક્કે છે તેની માહિતી મેળવી હતી.
બાદમાં સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં સાક્ષીઓની કાર્યાવાહી પૂરી કરવા માટે નિર્દેશ આપ્યા છે. હવે ૧,૨૩૭ સાક્ષીઓની જુબાનીની પડતી મૂકવામાં આવશે.
કેસની વિગત
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સહિત ૨૦ જગ્યાએ ગત ૨૬ જુલાઈ ૨૦૦૮ના થયેલા સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૫૬ લોકોનાં મોત નીપજ્યા હતા. ૨૪૦ લાકોને આ બ્લાસ્ટમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુરતમાં ૨૫ જગ્યાએ મૂકવામાં આવેલા બોમ્બ નિષ્ફળ કરાયા હતા. ગુજરાત પોલીસે રફુઉદ્દીન કાપડિયા સહિતના ૨૪ આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરી હતી. તેમાં ૨૮ જેટલા આરોપીઓ અન્ય રાજ્યોની જેલોમાં બંધ છે. જ્યારે ૫૬ આરોપીઓ સાબરમતી જેલમાં છે.

