અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસઃ ૩૮ને ફાંસી, ૧૧ને આજીવન કેદ

Thursday 24th February 2022 05:57 EST
 
 

અમદાવાદ: ૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ થયેલા ૨૦ સિરિયલ બોમ્બ બ્લાસ્ટે માત્ર અમદાવાદને જ નહીં, સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો. હવે અમદાવાદ સેશન્સ કોર્ટે આ કેસના આરોપીઓને એવી આકરી સજા ફરમાવી છે કે આતંકના પાયા હચમચી જાય. કોર્ટે આ આતંકી કૃત્યમાં સંડોવાયેલા દોષિતો પૈકી ૩૮ને ફાંસી અને ૧૧ને જીવે ત્યાં સુધી જેલની સજા ફરમાવી છે. આટલી મોટી સંખ્યામાં આરોપીને ફાંસીની સજા ફરમાવાઇ હોય તેવો આ દેશનો પ્રથમ કિસ્સો છે.
અગાઉ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકેસમાં ૨૬ દોષિતોને ફાંસીની સજા ફરમાવી હતી.
શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ ૨૦ બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં ખાસ જજ અંબાલાલ આર. પટેલે ઐતિહાસિક ચુકાદો આપતા ગુનાને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવ્યો હતો. તમામ દોષિતોને કોર્ટે અનલોકુલ એક્ટિવિટિઝ (પ્રિવેશન) એક્ટ (UAPA)ની વિવિધ કલમો અને ભારતીય ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ ૩૦૨ની જોગવાઈ હેઠળના ગુનાઓ બિયોન્ડ રિઝનેબલ ડાઉટ પુરવાર થયા હોવાનું સ્વીકારી આરોપીઓને ફાંસી અને આજીવન કેદ તેમજ દંડની સજાઓ સંભળાવી હતી. દોષિત ઠેરવાયેલા તમામ આરોપી સાબરમતી જેલ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોની જેલમાં અન્ય ગુનાઓ હેઠળ કેદ છે. જ્યારે આ કેસના ૮ આરોપીઓ હજી પણ નાસતા ફરે છે.

તત્કાલીન મુખ્ય પ્રધાન ટાર્ગેટઃ કોર્ટ
આરોપીઓએ અમદાવાદ અને સુરતમાં બોમ્બ વિસ્ફોટો કરીને તત્કાલીન સરકારને ઊથલાવવા, રાજ્દ્રોહ કરવા ઉપરાંત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું પણ કાવતરું ઘડ્યું હતું. આ વાતનો ઉલ્લેખ કોર્ટ સમક્ષ પ્રોસિક્યુશને આરોપનામામાં કર્યો છે.

યુએપીએ હેઠળ પહેલી વખત...
અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ હેઠળ પ્રથમ વાર આટલી મોટી સંખ્યામાં ફાંસીની સજા ફટકારાઇ છે. ૧૯૬૭માં અમલી બનેલા આ કાયદામાં ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા સુધારા કરાયા હતા. ઘણા રાજ્યો દ્વારા આ સુધારાનો વિરોધ કરાયો છે. આ સુધારા હેઠળ માત્ર શંકાના આધારે પણ વ્યક્તિઓને આતંકવાદી જાહેર કરી શકાય છે. આતંકી પ્રવૃત્તિમાં ઉપયોગ થયેલી સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર પણ આ કાયદા હેઠળ મળેલો છે.

હવે બહાલી માટે હાઈ કોર્ટમાં પિટિશન
હવે ૩૮ આરોપીને થયેલી ફાંસીની સજાને કન્ફર્મ કરવા ચુકાદો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને તેની બહાલીને આધીન રહેશે. દેખીતી રીતે જ હાઈ કોર્ટના ચુકાદા બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં જશે. સુપ્રીમ કોર્ટ પણ ફાંસી યથાવત્ રાખે તો દોષિતો પાસે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની યાચિકાનો વિકલ્પ પણ રહેશે.

દંડમાંથી અસરગ્રસ્તોને વળતર
દોષિકો પાસેથી વસૂલાયેલા દંડની રકમમાંથી આ બોમ્બ વિસ્ફોટો દરમયાન મૃત્યુ પામનારના પરિવારજનોને દરેકને રૂ. એક લાખ, ગંભીર ઈજા પામનાર દરેકને રૂ. ૫૦,૦૦૦ અને સાદી ઈજા પામનારને રૂ. ૨૫,૦૦૦નું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. જો આરોપીઓ આ વળતર નહીં ચૂકવે તો સરકારને આ વળતર મૃતક સગા, ઈજાગ્રસ્તોને ચૂકવવું પડશે.

કાળો દિવસ - ૨૬ જુલાઈ ૨૦૦૮
તા. ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદ શહેરમાં માત્ર ૭૦ મિનિટમાં જ ૨૦ અલગ અલગ સ્થળોએ થયેલા બોંબ ધડાકામાં ૫૬ વ્યક્તિના મૃત્યુ થયા હતા જ્યારે ૨૪૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ જ દિવસે સુરત ખાતે ૧૫ સ્થળોએ પ્લાન્ટ થયેલા બોમ્બ પોલીસની તકેદારીના કારણે મળી આવ્યા હતા અને તેને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાના (‘સીમી’) સભ્યો હતા. અને તેમણે ઇન્ડિયન મુજાહિદ્દીન નામનું સંગઠન બનાવીને દેશમાં અલગ અલગ સ્થળોએ બોમ્બ ધડાકા કર્યા હતા. અમદાવાદની ઘટનામાં ૨૦ અને સુરત માટે ૧૫ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter