અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં અમદાવાદને ધ્રુજાવનારા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસને ૨૬મી જુલાઈએ આઠ વર્ષ પૂરાં થયા છે. કેસમાં ૨૬૦૦થી વધારે સાક્ષી છે. અત્યાર સુધીમાં ૭૯૬ જેટલા સાક્ષીએ કોર્ટ સમક્ષ જુબાની આપી છે, ત્યારે ડેઝિગ્નેટેડ કોર્ટ સમક્ષ ચાલતા કેસમાં આરોપીઓને હાઇ કોર્ટે જામીન આપ્યા નથી.
સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૨૦૦૮ના કેસમાં હજુ ૭૪ આરોપી સામે ટ્રાયલ ચાલી રહી છે. જ્યારે ૫ જેટલા આરોપીઓ મધ્ય પ્રદેશ પોલીસે પકડ્યા બાદ તેમની કસ્ટડી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને નહીં સોંપી હોવાથી તેમની સામે ટ્રાયલ શરૂ થઇ શકી નથી. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ અને સુરતમાં કરાયેલા બોમ્બ પ્લાન્ટ એમ બંને કેસ એક સાથે ચલાવવામાં આવી રહ્યા છે.
આરોપીઓને જેલમાં આવેલી કોર્ટમાં રજૂ કરી તેમની સામે કેસ ચલાવવામાં આવે છે અથવા તો આરોપીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરી કેસ ચલાવવામાં આવે છે.
કાવતરાની વિગત
કેરાલાના વાઘમોરના જંગલોમાં આરોપીઓએ બ્લાસ્ટની તાલીમ લીધી હતી. જે બાદ ગુજરાતમાં ગોધરાકાંડના બનાવોનો બદલો લેવા માટે એક ટીમ ટ્રેન મારફત અમદાવાદ આવી હતી. તેમજ વિસ્ફોટકો તેઓ મુંબઇથી કાર મારફતે અમદાવાદ અને સુરત ખાતે લાવ્યા હતા.


