અમદાવાદઃ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટને બાદ કરતાં ગુજરાતના તમામ ૧૦ એરપોર્ટે આ વર્ષે જંગી ખોટ કરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના અન્ય એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે 'સફેદ હાથી' સમાન પુરવાર થયું છે. ગુજરાતના ૧૦ એરપોર્ટથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષમાં રૂ. ૧૧૮.૯૫ કરોડની ખોટ થઇ હતી. ૨૦૧૫-૧૬ના વર્ષમાં ખોટનું આ પ્રમાણ રૂ. ૮૬.૦૭ કરોડ હતું. બીજી તરફ અમદાવાદ એરપોર્ટે ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષમાં રૂ. ૬૭.૨૭ કરોડનો નફો કર્યો હતો. જાણકારોનું માનવું છે કે, અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાથી તેને નફો થવો સ્વાભાવિક છે. આગામી સમયમાં વડોદરા, સુરતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવે તો તેની નાણાકીય સ્થિતિમાં સુધારો થઇ શકે છે.

