ગાંધીનગરઃ કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી છે. ૧૫મી સપ્ટેમ્બરના અહેવાલો પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ફરી ૧૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૫મીએ વધુ ૧૩૪૯ દર્દી કોરોના પોઝિટિવ હતાં અને ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧૧૬૩૪૫ પહોંચી હતી. રાજ્યમાં ૧૫મીએ વધુ ૧૭ દર્દીઓનાં કોરોનાથી મૃત્યુ નોંધાતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૨૪૭ થયો છે અને ૧૪૪૪ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને હરાવતાં ગુજરાતમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓનો કુલ આંક મંગળવારે ૯૬૭૦૯ થયો છે.
ગુજરાત માટે સારા ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર ૮૨.૮૪ ટકા છે. જોકે ૧૪મી સપ્ટેમ્બરના અહેવાલો પ્રમાણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસના ૩૪૧ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે, આ દર્દીઓ પૈકીના ૮૦ ટકા દર્દીઓને ઓક્સિજન આપવો પડે છે. એટલું જ નહીં ૧૧૧ જેટલા દર્દી વેન્ટિલેટર પર છે. જે નવા દર્દીઓ દાખલ થઈ રહ્યાં છે તેમાં મોટાભાગના દર્દીઓને શ્વાસની તકલીફ થઈ રહી છે અને આ કેસ ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરવા પડી રહ્યાં છે. હોસ્પિટલના વહીવટી વિભાગે જણાવ્યું છે કે, જો કોરોનાના દર્દીઓની આ જ સ્થિતિ રહી તો આગામી ૧૦થી ૧૫ દિવસમાં ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ ભરાઈ જશે. એનું કારણ એ પણ છે કે, સોમવારથી ૧૦ દિવસ પહેલાં સિવિલમાં દર્દીઓની સંખ્યા ૨૦૦ આસપાસ રહેતી હતી જે વધીને હવે ૩૫૦ આસપાસ થવા માંડી છે.
ઓક્સિજનની ડિમાન્ડ વધતાં ૩૦૦ ટકા ભાવ વધારો
ગુજરાતમાં કોરોનાના કારણે ઓક્સિજનની ડિમાન્ડમાં વધારો થતાં ઓક્સિજનના ઉત્પાદકોએ બે જ મહિનામાં ઓક્સિજનના ભાવમાં ૩૦૦ ટકાનો વધારો કરી દીધો છે. અગાઉ કિલો દીઠ રૂ. ૮.૫૦ના ભાવે ઓક્સિજન મળતો તેનો ભાવ હાલમાં રૂ. ૩૩ થયાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં રોજના ૩૫૦ ટન ઓક્સિજન આવતો તે સપ્લાય બંધ થતાં પણ ગુજરાતમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. ઓક્સિજનની ડિમાન્ડ વધતાં તેની સંગ્રહખોરી પણ શરૂ થયાના અહેવાલ છે.
મેડિકલ એક્સપર્ટનો ક્વોરેન્ટાઇન પિરિયડ પણ હવે ઓન ડયૂટી જ ગણાશે
કોવિડ-૧૯ની ફરજ દરમિયાન ક્વોરેન્ટાઈન કરાતા ડોક્ટર, હેલ્થ વર્કર્સના ક્વોરેન્ટાઈન પિરિયડને પણ ઓન ડયૂટી જ ગણીને પગાર ચૂકવવાનો રહેશે. તેવો આદેશ ૩૧ જુલાઈએ સુપ્રીમ કોર્ટે કર્યો હતો. જેના અમલ માટે ગુજરાત સરકારે દોઢ મહિના પછી સોમવારે આ હુકમને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સેક્શન અધિકારી રિપલ પ્રજાપતિની સહીથી પ્રસિદ્ધ હુકમમાં કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટમાં ૩૧ જુલાઈ ૨૦૨૦ના રોજ એક સુનાવણીમાં ડોક્ટર અને અન્ય હેલ્થ વર્કરો કોવિડ-૧૯ની ફરજ દરમિયાન ક્વોરેન્ટાઈન હોય તે સમયગાળો અમુક કિસ્સામાં રજા તરીકે ગણાયો છે. એ અનુસંધાને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા ક્વોરેન્ટાઈન સમયગાળો ‘ઓન ડયૂટી’ ગણવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાને સામેથી કોરોના ટેસ્ટ કરાવ્યો
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે સવારે પોતાના નિવાસ સ્થાને એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો. તત્કાળ પરિણામ આપતા કોવિડ-૧૯ની તપાસકર્તા ટીમે આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આપ્યો હતો. રૂપાણીએ રાજ્યના નાગરિકોને કોઈ પણ પ્રકારના ભય વગર કોરોના ટેસ્ટ કરાવવા
અપીલ પણ કરી હતી અને ટેસ્ટ ઈઝ બેસ્ટ હોવાનું જણાવ્યું હતું.
પાટિલનો કોરોનાનો રિપોર્ટ ફરી પોઝિટિવ
કોરોના સંક્રમિત થયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલમની હાલમાં એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલે છે. ૧૪મીએ ફરી પાટિલનો કોરોના ટેસ્ટ કરાયો જે પોઝિટિવ આવ્યો હતો. સી. આર. પાટિલને હજુ હોસ્પિટલમાં જ રહેવું પડશે.
જોકે, તેમના શરીરમાં વાઈરસનો લોડ ઓછો થઇ રહ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રાકાન્ત પાટિલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં કોંગ્રેસના જમાલુપરના ધારસભ્ય ઇમરાન ખેડાવાલાએ એવો આક્ષેપ કર્યો છે કે, કોરોનાનું કેન્દ્રબિંદુ કમલમ્ છે અને પાટિલ સુપર સ્પ્રેડર છે. ખેડાવાલાએ કહ્યું છે કે, પાટિલે સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતમાં રેલી - સભાઓ યોજ્યા.
સામાન્ય જનતા માસ્ક ન પહેરે અથવા સોશિયલ ડિસટન્સનો ભંગ કરે તો તેમને દંડ થાય. રેલી-જાહેર કાર્યક્રમમાં પાટિલ માસ્ક પહેરતાં નથી તો દંડ કેમ લેવાતો નથી? શું ભાજપ માટે આ બધાય કામ છે? તેમને માટે કોઈ કાયદા નથી? દંડની જોગવાઇ ભાજપને લાગુ ન પડે? પાટિલે હજારોની ભીડ એકત્ર કરી કરીને કોરોના સંક્રમણ વધારવાનું કામ કર્યું છે ત્યારે સરકાર અને પોલીસ કેમ મૌન ધારણ કરીને બેઠી છે. તે સમજાતું નથી.
સોશિયલ મીડિયામાં પણ પાટિલને સુપર સ્પ્રેડર ગણાવાઈ રહ્યાં છે. જેની સામે પાટિલ સમર્થકો સોશિયલ મીડિયા પર કોરોનાના શરૂઆતી તબક્કામાં પાટિલે લોકોને અનાજ કિટનું વિતરણ કર્યું હતું તેના ફોટો મૂકીને પ્રશ્ન કરે છે કે, અમે જયારે સેવાના કામ કર્યા હતાં ત્યારે તમે કયાં હતાં? આમ, પાટિલે પોતાના બચાવ કરવા પ્રયાસ કર્યાં છે.
કમલમમાં નો-એન્ટ્રી, માત્ર સ્ટાફને જ પ્રવેશ
કોરોનાએ કમલમને ભરડામાં લીધું છે. કાર્યકરોની વધુ અવરજવરને કારણે ભાજપના પ્રવક્તા, કાર્યાલય મંત્રી, મહિલા મોરચા કાર્યાલય મંત્રી, ડ્રાઇવર સહિત કુલ સાતેક જણાને કોરોના પોઝિટિવ થયો છે. જેથી કમલમમાં કાર્યકરોને પ્રવેશ બંધ કરાયો છે. માત્ર સ્ટાફને જ પ્રવેશ મળી રહ્યો છે. થર્મલ ગનથી ચેકિંગ કર્યા પછી જ સ્ટાફના માણસોનેય પ્રવેશ મળે છે. એટલું જ નહીં, કમલમના એન્ટ્રી ગેટ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.
રાદડિયા કોરોના પોઝિટિવ - ભારદ્વાજ વેન્ટિલેટર પર
નાગરિક પુરવઠા પ્રધાન અને ભાજપના જયેશ રાદડિયાનો કોરોના ટેસ્ટ સોમવારે પોઝિટિવ આવ્યો હતો. તેઓએ જ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હું હોમ ક્વોરેન્ટાઈન છું. મારા સંપર્કમાં આવેલા તમામને હેલ્થ ચેક - અપ કરાવવાની સલાહ છે. જયેશ રાદડિયા ઉપરાંત ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
સોમવારના અહેવાલ અનુસાર રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ ૧૬ દિવસથી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. અચાનક તેમને ફેફસાંમાં તકલીફ થતાં સોમવારથી તેમને વેન્ટિલેટરથી કૃત્રિમ શ્વાસ અપાય છે. ભારદ્વાજની તબિયત ખરાબ થતાં તેઓ ખાનગી હોસ્પિટલના ડોક્ટર સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. બીજી તરફ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કશ્યપ શુક્લ અને તેમના ભાઇ તેમજ મેયરના પી.એ.નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.