અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૨૮મી ઓક્ટોબરે એક જ દિવસમાં નવ નવજાત શિશુનાં મોત થયાં હતાં એ પછી સ્થિતિ એટલી વણસી ગઈ કે આ આંકડો ૨૪ સુધી પહોંચી ગયો હતો.
વાલીઓનો આક્રોશ
૨૮મીએ નવજાત શિશુનાં વાલી અને સગા સંબંધીઓએ સિવિલ હોસ્પિટલ બહાર ભારે આક્રોશ સાથે નારેબાજી કરી હતી અને સિવિલ સત્તાવાળાઓએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટના અંગે આરોગ્ય વિભાગ જ નહીં, સિવિલ સત્તાધીશો પોતાનો એકડો ખરો હોય એમ બધુંય બરાબર છે તેવા ગાણા ગાય છે.
ચોંકાવનારું સત્ય
રાજ્ય સરકાર ખુદ કબૂલી ચૂકી છે કે સિવિલમાં મહિને દોઢસો નવજાત શિશુઓ મોતને ભેટે છે. કુપોષિત બાળકોને બચાવવામાં ડોક્ટરો ઉણા ઉતર્યાં છે. તેવામાં હૃદયની બીમારીથી પીડાતાં અધૂરા માસે જન્મેલાં કુલ મળી ૨૪ બાળકોએ દુનિયામાં જન્મ લીધાની ગણતરીની મિનિટોમાં આખરી દમ લીધો હતો. જોકે સિવિલ તંત્રએ અને આરોગ્ય વિભાગે એવો ખુલાસો કર્યો છે કે અધૂરા માસે જન્મેલા બાળકોને બચાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. નવજાત શિશુના મોતનો આંકડો ૨૪ સુધી પહોંચ્યો છે. ત્યારે સિવિલ તંર કહે છે કે માસૂમ બાળકોનાં જીવ બચાવવા એ જ પ્રાથમિક્તા છે.


