અમદાવાદઃ ૧૮૯૪માં વડના ઝાડ નીચે શરૂ થયેલું અમદાવાદ સ્ટોક એક્સચેન્જ હવે ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે. ૨૦૦૦થી વધુ લિસ્ટેડ કંપનીઓ પૈકી ૨૦૦થી પણ વધુ હાઇગ્રોથ ધરાવતી કંપનીઓ સાથે દેશમાં બીજા ક્રમના સ્ટોક એક્સચેન્જ ગણાતા અમદાવાદ સ્ટોક એક્સચેન્જે જુલાઈ-૨૦૧૪માં એક્ઝિટ અરજી કરી હતી. સેબીએ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ લિ.ને સ્ટોક એક્સચેન્જના બિઝનેસમાંથી એક્ઝિટ માટે પરવાનગી આપી દીધી છે. અમદાવાદ શેરબજારની સ્થાપના સાંકળચંદ મોહનલાલ શેઠ અને મિત્રોએ કરી હતી. સપ્ટેમ્બર-૧૯૫૭માં માન્યતા પછી માર્ચ-૮૨માં કાયમી માન્યતા મળી હતી. અમદાવાદ સ્ટોક એક્સચેન્જે સેબીને એવી અરજી કરી હતી કે, એક્સચેન્જના સભ્યો સ્વૈચ્છિક એક્ઝિટ ઇચ્છી રહ્યા છે તેથી એક્સચેન્જ તેની માન્યતા સરન્ડર કરવા ઇચ્છે છે.


