અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી જૂનના બીજા અઠવાડિયાથી ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પારેશન એન્ડ એવિએશનની પ્રથમ બિઝનેસ ક્લાસ ચાર્ટર ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે. ગુજરાત સરકારની સબસીડી વગર પ્રથમવાર અમદાવાદથી ચાર્ટર ફ્લાઇટ ડોમેસ્ટિક સ્ટેશનો માટે ઉડાન ભરશે. અમેરિકાની સેશનના કંપનીનું ૮ સીટવાળું એરક્રાફટ રૂ. ૧૨ કરોડમાં ખરીદવામાં આવ્યું છે.
રાજ્યના સિવિલ એવિએશન વિભાગની વિકાસ રુંધાતી નીતિઓના કારણે ખાનગી કંપનીઓ અમદાવાદમાં ચાર્ટર્ડ ફ્લાઇટની સેવા શરૂ કરી શકતી નથી. ટેન્ડરની સાથે શરતો જ એવી મૂકવામા આવે છે કે, કોઇ સાહસ કરતું નથી. છેવટે સરકારની સબસીડી વગર સેવા શરૂ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. જીએસઇસી એવીએશનની પ્રથમ ચાર્ટર ફ્લાઇટ જૂન-૧૬ના બીજા અઠવાડિયાથી અમદાવાદ ઇન્દોર વચ્ચે શરૂ થશે. નોન શિડયુલ ફ્લાઇટ શરૂ થવાને કારણે બિઝનેસ ટુર કરતા કાર્પારેટ સેકટરને મોટો લાભ થશે. કંપનીના ડાયરેકટર શૈશવ શાહે જણાવ્યું કે, અમે અત્યારે અમેરિકાની સેશના કંપનીના એક એરક્રાફ્ટ રૂ. ૧૨ કરોડમાં ખરીદ્યું છે. ૮ સીટના એરક્રાફ્ટમાં બિઝનેસ ક્લાસ ફેસિલિટી રહેશે. મુસાફરી કરનાર ટેબલેટ પણ આપવામાં આવશે. સાથે સાથે કોલ્ડડ્રીંક્સ અને સ્પેશિયલ ફૂડ પણ આપવામાં આવશે.
જુલાઇના બીજા સપ્તાહમાં બીજું એરક્રાફ્ટ અમદાવાદ ખાતે લાવવામાં આવશે. હાલ એક એરક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યું છે. જેના માટે બે પાઇલટ અને બે કો-પાઇલટ રહેશે.


