અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આજે બપોરે લંડનના ગેટવિક એરપોર્ટ જવા રવાના થયેલી એર ઇંડિયાની ફ્લાઇટ ટેઇક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયાના અહેવાલ છે. આ વિમાન એરપોર્ટ નજીકના જ રહેણાંક વિસ્તાર મેઘાણીનગરમાં આવેલા આઇજીબી કમ્પાઉન્ડમાં તૂટી પડ્યું હતું. વિમાન પડ્યું તે ઘટનાસ્થળેથી કાળાડિબાંગ ધુમાડા ઉઠતા જોવા મળી રહ્યા હતા. આ અકસ્માત કઇ રીતે બન્યો છે તેની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે. દુર્ઘટનાનો ભોગ બનેલું એર ઇંડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787 બોઇંગ કુલ 300 પેસેન્જરની કેપેસિટી ધરાવે છે, પરંતુ તેમાં 242 લોકો હતા. ફાયર બ્રિગેડ અને પોલીસનો વિશાળ કાફલો ઘટનાસ્થળે રાહત-બચાવની કામગીરી કરી રહ્યો છે.
દુર્ઘટનાનો ભોગ બનેલાઓનો આંકડો હજુ સત્તાવાર જાહેર થયો નથી. અહેવાલ અનુસાર લંડન જતી આ ડાયરેક્ટ ફ્લાઇટમાં ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજયભાઇ રૂપાણી પણ પ્રવાસ કરતા હતા.
હેલ્પલાઇન નંબર જાહેર
દુર્ઘટનાના પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને બીજી કોઇ જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ, એર ઇંડિયાએ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પ્રવાસીઓના પરિવારજનોની મદદ માટે હેલ્પલાઇન નંબર 1800 5691 444 જાહેર કર્યો છે. જ્યારે અમદાવાદ પોલીસે ઇમરજન્સી નંબર 07925620359 જાહેર કર્યો છે. આ નંબર પર ફોન કરીને સ્વજનો વિમાન દુર્ઘટના અંગેની જાણકારી મેળવી શકશે.
યુકે સરકારે પણ પ્રવાસીઓના સ્વજનોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી અમે માહિતગાર છીએ. યુકે સરકાર ભારતના સ્થાનિક અધિકારીઓ સાથે મળીને વધુ વિગત મેળવવા અને અસરગ્રસ્તોની સહાય માટે કામ કરી રહી છે. જે બ્રિટિશ નાગરિકોને કોન્સ્યુલર સહાયની જરૂર હોય અથવા જેઓ તેમના મિત્રો અથવા પરિવાર વિશે ચિંતિત હોય તેમણે 020 7008 5000 પર કોલ કરી શકે છે.
કુલ 242 પ્રવાસીઃ 169 ભારતીય, 53 બ્રિટનના
અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઇંડિયાની ડાયરેક્ટ ફ્લાઇટે બપોરે 1.38 કલાકે ટેઇક ઓફ કર્યું હતું અને પાંચ જ મિનિટમાં તૂટી પડી હતી. અમદાવાદથી લંડનની સીધી ફ્લાઇટ હોવાથી સ્વાભાવિકપણે જ તેની ફ્યુલ ટેન્ક ફુલ હતી. પરિણામે વિમાન ક્રેશ થતાં જ પ્રચંડ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલા ઘણા પ્રવાસીઓના મૃતદેહો તો ઓળખી પણ ના શકાય તેટલા બળી ગયા છે.
ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના જણાવ્યા પ્રમાણે, વિમાનમાં કુલ 242 પ્રવાસી હતા, જેમાં 230 પેસેન્જર, બે પાઇલટ તથા અને 10 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. 242 પ્રવાસીમાં 169 ભારતીય જ્યારે 53 મુસાફરો બ્રિટનના, 7 પોર્ટુગલના અને 1 પ્રવાસી કેનેડાના હતા. ફ્લાઇટનું સંચાલન કેપ્ટન સુમિત સભરવાલ સંભાળતા હતા જ્યારે ક્લાઇવ કુંદર ફર્સ્ટ ઓફિસર તરીકે હતા. દુર્ઘટના પછીના પહેલા સત્તાવાર નિવેદનમાં એર ઇંડિયાએ જણાવ્યું હતું કે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઇ રહેલી ફ્લાઇટ AI 171 આજે 12 જૂનના રોજ દુર્ઘટનાનો ભોગ બની છે. અમે વધુ માહિતી મેળવી રહ્યા છીએ.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (એસવીપીઆઇએ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમદાવાદથી લંડન ગેટવિક જવા રવાના થયેલી ફ્લાઇટ AI 171 ટેઇકઓફ થયાની ગણતરીની મિનિટમાં એરપોર્ટ બહાર દુર્ઘટનાનો ભોગ બની છે. આથી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં કાર્યરત નથી. બીજી કોઇ જાહેરાત ના થાય ત્યાં સુધી તમામ પ્રકારના ફ્લાઇટ ઓપરેશન્સ બંધ રહેશે. દરેક પેસેન્જર્સે
વડાપ્રધાન અમદાવાદ આવવા રવાના
આ ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. વડાપ્રધાને એક્સ પર એક પોસ્ટ કરીને આ ઘટનાને દુખદ અને આઘાતજનક ગણાવી હતી. ઘટનાની જાણ થતાં જ ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરના પોલીસ કમિશનરને ફોન કરીને ઘટનાની જાણકારી મેળવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને આ દુર્ઘટના અંગે દુખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા અને ઇજાગ્રસ્તોને તત્કાળ અને ત્વરિત સારવાર પૂરી પાડવા જણાવાયું છે. ગૃહ પ્રધાન અમિત શાહે ફોન કરીને આ ઘટનાની જાણકારી મેળવ્યાની વાતને સમર્થન આપતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે તમામ સહયોગની ખાતરી આપી છે.