અમદાવાદઃ તહેવારો પછી એનઆરઆઇના ગુજરાત પ્રવાસની સિઝન નજીકમાં છે, ત્યારે વિન્ટર શેડયુઅલ અંતર્ગત અમદાવાદને દેશના વિવિધ શહેરો સાથે જોડતી પંદર નવી ફ્લાઇટોની જાહેરાત કરાઈ છે. સ્પાઇસ જેટે વિન્ટર શેડયુલ અંતર્ગત અમદાવાદથી ગોવા, બેંગલુરુ અને ચેન્નઇને જોડતી ત્રણ નવી ફ્લાઇટોની જાહેરાત કરી છે. આવી જ રીતે ઇન્ડિગો એરલાઇન્સે પણ અમદાવાદ તથા ચેન્નઇ વચ્ચે નવી બે ફ્લાઇટ અને અમદાવાદથી લખનઉની એક ફ્લાઇટની જાહેરાત કરી છે. ગો એર દ્વારા દિલ્હીની એક ફ્લાઇટની જાહેરાત કરવામાં આવી છે. આમ નવી ઇનકમિંગ અને આઉટગોઇંગ ફ્લાઇટની કુલ સંખ્યા ૧૫ થાય છે જેને પગલે હાલમાં રોજ અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી કુલ ફ્લાઇટની સંખ્યા ૧૩૫ છે તે વધીને ૧૫૦ થશે. સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર એ. કે. શર્માના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષના મે મહિના પછી એરપોર્ટનો રન વે મેઇનટેનન્સ માટે સવારના ૧૦થી સાંજના ૬ સુધી બંધ કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા જાહેર કરવામાં આવેલી આ નવી ફ્લાઇટોમાં ગોવા, દિલ્હી, બેંગલુરુ, ચેન્નઇ તથા લખનઉની ફ્લાઇટનો સમાવેશ થાય છે.


