અમદાવાદઃ શહેરના કોબામાં યોજાયેલા ઐતિહાસિક દીક્ષા સમારોહમાં યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીએ 17 મુમુક્ષુને દીક્ષા પ્રદાન કરી હતી. પ્રેક્ષા વિશ્વભારતીના મનોહર પ્રાંગણમાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં 10 બહેનો અને 7 ભાઈઓ સંસારનો માર્ગ છોડીને વૈરાગ્યના પથ પર આગળ વધ્યા હતા. ભોગના માર્ગથી યોગ તરફ આગળ વધવાનો આ વિરલ પ્રસંગ હતો. કાર્યક્રમમાં સાધ્વીપ્રમુખા વિશ્રુતવિભાજીએ દીક્ષાનો મહિમા વર્ણવ્યો હતો, જ્યારે દીક્ષાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. મુનિ દિનેશ કુમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.