અમદાવાદના ફોટો જર્નાલિસ્ટ અમિત દવે સહિત ચાર ભારતીયને પુલિત્ઝર પ્રાઇઝ

Wednesday 18th May 2022 06:35 EDT
 
 

અમદાવાદ: દિવંગત ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકી અને ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ અમિત દવે સહિત ચાર ભારતીયોને ‘ફીચર ફોટોગ્રાફી શ્રેણી’માં પ્રખ્યાત પુલિત્ઝર એવોર્ડ 2022થી સન્માનિત કરાયા છે. ‘ધ પુલિત્ઝર પ્રાઈઝ’ની વેબસાઈટ મુજબ સમાચાર એજન્સી રોઈટર્સના દાનિશ સિદ્દીકી અને તેમના સાથીઓ અમિત દવે, અદનાન આબિદી તથા સના ઈરશાદ મટ્ટુને આ એવોર્ડ અપાયો છે.
ભારતમાં કોરોના મહામારી સંબંધિત તસ્વીરો માટે ભારતીય ફોટોગ્રાફર્સનું સન્માન કરાયું છે. દાનિશ સિદ્દીકીની ગયા વર્ષે જુલાઈમાં અફઘાનિસ્તાનમાં હત્યા કરી નંખાઇ હતી. અફઘાનિસ્તાનના સ્પીન બોલ્ડક જિલ્લામાં અફઘાનિસ્તાન સૈનિકો અને તાલિબાન વચ્ચે હિંસક સંઘર્ષની તસવીરો લેતી વખતે તેમની હત્યા કરાઈ હતી. સિદ્દીકીને બીજી વખત પુલિત્ઝર એવોર્ડ અપાયો છે. વર્ષ 2018માં પણ રોઈટર્સ સાથે કામ કરતાં તેમને રોહિંગ્યા શરણાર્થી સમસ્યા સંબંધિત તસવીરો માટે પુલિત્ઝર એવોર્ડ એનાયત થયો હતો.
મહિલા શ્રમિકની તસવીરને પુરસ્કાર
પુલિત્ઝર પ્રાઇઝ વિજેતામાં રોઇટર્સના ગુજરાત સ્થિત વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ અમિત દવેનો પણ સમાવેશ થાય છે. ભારતમાં કોરોનાકાળ દરમિયાન આ મહામારીની તીવ્રતા દર્શાવતી ફોટોગ્રાફી બદલ તેમને ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું છે. અમદાવાદની બહાર આઠમી એપ્રિલ 2021ના રોજ કાવિઠા ગામ ખાતે ઇંટોના ભઠ્ઠા પર કામ કરતાં શ્રમિકોના રસીકરણ દરમિયાન મહિલાનું એક હેલ્થ વર્કર દ્વારા કોરોના પરીક્ષણ થઇ રહ્યું હતું તે વેળાની તસવીરને આ એવોર્ડ મળ્યો છે. તેમને પ્રાઇઝ વિનિંગ ફોટો માટે 15,000 ડોલર એટલે કે 11 લાખ રૂપિયાનું ઇનામ પણ મળશે.
ફોટોજર્નાલિસ્ટ તરીકે ત્રણ દાયકાનો બહોળો અનુભવ ધરાવતા અમિત દવેએ એક મેગેઝિન ફોટોગ્રાફર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આ પછી સ્થાનિક અખબારોમાં કામ શરૂ કર્યું હતું. સમયાંતરે તેઓ રાષ્ટ્રીય અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે જોડાયા. આ પછી 2002માં તેઓ રોઇટર્સમાં જોડાયા હતા. તેમણે ગુજરાતના રમખાણોથી માંડીને દુષ્કાળ, વિનાશક ભૂકંપ પછીના હૃદયદાવક દૃશ્યોની ફોટોગ્રાફી કરીને ભારે નામના મેળવી હતી. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં આવેલી ત્સુનામીને પણ તેમણે કેમેરામાં કંડારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter