અમદાવાદ, તા.૨૦: શહેરના એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર પાસે વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામમાં ૧૦૦ વિઘા જમીન અને રૂપિયા ૧૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા આ મંદિરનો શિલાન્યાસ સમારોહ ૨૮-૨૯ ફેબ્રુઆરીના યોજાશે. પાંચ વર્ષમાં તૈયાર થનારા આ મંદિરની ઊંચાઇ ૪૩૧ ફૂટ હશે અને ગર્ભગૃહમાં બાવન ફૂટ ઊંચા સ્થાન પર જગત જનની મા ઉમિયા બિરાજશે.
આયોજન સમિતિના જણાવ્યા પ્રમાણે આ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધી અંદાજે રૂપિયા ૩૭૫ કરોડનું દાન મળ્યું છે અને ૨૯ ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો વધીને રૂપિયા ૫૦૦ કરોડ સુધી પહોંચી જવાની સંભાવના છે.
આ મંદિરની ઊંચાઇ ૪૩૧ ફૂટ છે, પણ ધ્વજદંડક સાથે ૪૫૧ ફૂટ ઊંચાઇ થાય છે. આ મંદિર સંકુલના ભાગરૂપે કન્યા અને કુમાર વર્કિંગ વુમન હોસ્પિટલ, સમાધાન પંચ, સ્કીલ યુનિવર્સિટી, હેલ્થ-સ્પોર્ટ્સ-કલ્ચરલ કોમ્પલેક્સ, એનઆરઆઇ ભવન, વિધવા-ત્યક્તા બહેનો માટે રોજગાર કેન્દ્ર, કાયમી લગ્ન કેન્દ્ર, કાયમી ભોજનશાળા પણ આકાર લેશે.
આ બે દિવસીય સમારોહમાં બે લાખ કરતાં વધુ ભક્તો ઉપસ્થિત રહેશે તેવો અંદાજ છે. આ પ્રસંગે શ્રી શ્રી રવિશંકર, બીએપીએસના મહંત સ્વામી મહારાજ, જગદગુરૂ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યશ્રીજી, અવિચલદાસજી, જગદગુરૂ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, સ્વામી સચ્ચિદાનંદ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, વિશ્વભંર ભારતીજી મહારાજ સહિત ૨૧થી વધુ દિગ્ગજ સંતો-મહંતો-મહામંડલેશ્વરો અને કથાકારો ઉપસ્થિત રહેશે. તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, પરેશ ધાનાણી, અમિત ચાવડા, પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે.
શિલાન્યાસ સમારોહ નિમિત્તે ૨૮ ફેબ્રુઆરીના રોજ સવારે આહુતિ મહાયજ્ઞ - જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા, જગત જનની મા ઉમિયા સાથે ગણપતિ દાદા - બટુકભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. જ્યારે બપોરે ૧૧ હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલા ૧૦૮ કળશનું સ્વાગત-પૂજન કરાશે. આ જ દિવસે સાંજે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાયો છે. ૨૯મી ફેબ્રુઆરીએ સવારે ૮ કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત ૯ શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન કરાશે અને સાંજે શિલાન્યાસ સમારોહનો પ્રારંભ થશે.


