અમદાવાદઃ અમેરિકનોને ફોન કોલ કરીને ખોટા વેરા વસૂલવાના સાગર ઠાકરના મુંબઈના કોલસેન્ટરનું કૌભાંડ બહાર પડ્યા પછી થાણે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પરાગ મનરેએ તાજેતરમાં જણાવ્યું છે કે, અમદાવાદના ૨૫ ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરોના માલિકોની માહિતી અમારી પાસે છે અને આ કોલ સેન્ટર વિરુદ્ધ પુરાવા પણ છે. ગમે તે ઘડીએ આ કોલ સેન્ટર્સના માલિકોની ધરપકડ થઈ શકે છે.
મનરેએ કહ્યું છે કે, દેશભરમાં માત્ર યુએસ નહીં અન્ય દેશોમાંથી હવાલાથી નાણાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ સાગર ઠાકર, તેની બહેન રિમા, નિરવ રાયચુરા જેવા અનેક નામો લિસ્ટમાં છે, પણ અમે અમદાવાદના ૨૫ કોલ સેન્ટરોના માલિકોની યાદી તૈયાર કરી છે જેઓ પણ માસ્ટર માઇન્ડ છે અને આ કેસમાં અમારી જુદી જુદી ટીમ દિવસ રાત કામ કરી રહી છે. પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણી બાબતે તેમણે જણાવ્યું કે, કેટલીક માહિતી સંવેદનશીલ હોવાથી અમે જાહેર કરીશું નહીં પણ આ દિશામાં તપાસ જારી છે. અમારો પહેલો ટાર્ગેટ કોલ સેન્ટરના માલિકો છે અને ૨૫ લોકો પર અમારી વોચ છે.

