અમદાવાદના કોટ વિસ્તારના પાંચ યુવકોમાંથી ચાર યુવકો સિરિયા-ઇરાક આઇએસઆઇએસની તાલીમ લઇને પરત આવ્યાના ઇનપુટ બાદ એન્ટી ટેરેરિસ્ટ સ્વોર્ડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોટ વિસ્તારના ચારેય યુવાનોની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ચારેય યુવકો ગુજરાતમાં અન્ય કોઇ રાજ્યના યુવાનોની મદદથી કોઇ મોટું ઓપરેશન હાથ ધરે તેવી સંભાવના હોવાથી ચારેય યુવાનો અને તેમના સગાંસબંધીઓની પૂછપરછ શરૂ કરાઈ છે.
તપાસમાં એવી માહિતિ બહાર આવી છે કે, આતંકવાદી સંગઠન અલ કાયદાના ભારતના ઇ-મેલ આઇડીની તપાસમાં ગુજરાતના એક આઇડીનો ખુલાસો થયો છે. કેન્દ્રીય એજન્સીઓને મળેલી માહિતિના આધારે તપાસ ચાલી રહી છે.
અમદાવાદના કોટ વિસ્તારના પાંચ યુવાનો આઇએસઆઇએસ પ્રભાવિત સિરિયા અને ઇરાકમાં તાલીમ લઇને અમદાવાદમાં પરત આવ્યાના સેન્ટ્રલ ઇન્ફર્મેશનના અહેવાલ બાદ ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોર્ડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગી ગયા છે.
એટીએસે જણાવ્યું છે કે, અમદાવાદના કોટ વિસ્તારના પાંચ યુવાનો સિરિયા અને ઇરાકમાં થોડા સમય પહેલાં ગયા હતા. જેમાંથી એક યુવાનનું મૃત્યુ થયા બાદ ચાર યુવાનો પરત આવી ગયા છે. પઠાણકોટ હુમલા બાદ પણ સેન્ટ્રલ આઇબીએ આંતકીઓ ઘૂસ્યા હોવાના અહેવાલ આપ્યા હતા. ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને અમદાવાદના ચાર યુવાનો પરત આવી ગયા હોવાની માહિતિ મળ્યા બાદ ચારે યુવાનોની પૂછપરછ શરૂ થઈ હતી. ચાર યુવાનોની પૂછપરછમાં પાંચમાં યુવાનનું સિરિયામાં કુદરતી રીતે મૃત્યુ થયું હોવાનું બહોર આવ્યું છે, પરંતુ એટીએસને પાંચમા યુવાનની હત્યા થયાની શંકા છે. આ ચારેય યુવાનો હાલમાં તો એવું ગાણું ગાઈ રહ્યા છે કે તેઓ નોકરીની શોધમાં ગયા હતા.
અમદાવાદના ચાર યુવાનાની સાથે દેશના બીજા રાજ્યોમાંથી પણ કેટલાક યુવાનો સિરિયા અને ઇરાકમાં આઇએસઆઇએસની તાલીમ લઇને આવ્યા હોવાની શંકા હોવાથી ગુજરાત એટીએસે મહારાષ્ટ્ર અને તમિલનાડુની એટીએસને પણ જાણ કરી છે. ગુજરાતમાં અન્ય કોઇ રાજયોના યુવાનોની મદદથી આંતકી હુમલો કરાવવાની શંકા હોવાથી એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ ગુજરાતમાં આ ચાર યુવાનોના અન્ય સંપર્કો શોધી રહ્યા છે.

